Get The App

જાન્યુઆરીમાં પ્રથમ વખત ઠંડીનો પારો 14 ડિગ્રી નીચે

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
જાન્યુઆરીમાં પ્રથમ વખત ઠંડીનો પારો 14 ડિગ્રી નીચે 1 - image


- ભાવનગરમાં રાત્રે ઠંડો પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું

- દિવસે પવનની ઝડપ 12 કિ.મી. રહી, મહત્તમ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો

ભાવનગર : ભાવનગરમાં થંભી ગયેલી ઠંડી ફરી આગળ ધપી છે. જાન્યુઆરીમાં પ્રથમ વખત શિયાળાના અસલ મિજાજનો પરચો મળતા રાત્રિનું તાપમાન ૧૪ ડિગ્રીની નીચે પહોંચી ગયું હતું. તો દિવસના તાપમાનમાં પણ સાડા ત્રણ ડિગ્રી જેટલાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઠંડીનું પ્રમાણ વધતા નગરજનોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થવાની કરેલી આગાહી ભાવનગર માટે સાચી ઠરી હતી. છેલ્લા નવ દિવસથી ઠંડી ગાયબ થઈ ગયા બાદ રાત્રિના સમયે ફૂંકાયેલા ઠંડા પવનને કારણે વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું હતું. તેમાં પણ મધરાત્રિ બાદ ઠંડીનું જોર વધતા લાગતા લોકોને ઘરના બારી-બારણાં બંધ કરવાની નોબત આવી હતી. જાન્યુઆરીમાં પ્રથમ વખત રાત ઠંડી રહેતા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં ૨.૯ ડિ.સે.નો ઘટાડો થતાં ઠંડીનો પારો ૧૩.૬ ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાત્રિ બાદ દિવસે પણ ઠંડીનું સામ્રાજ્ય રહ્યું હતું. સપ્તાહના આરંભિક દિવસે ૧૨ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનને કારણે ભાવેણાંવાસીઓ ઠંડા પવનમાં ઠુંઠવાયા હતા. ઠંડીના વર્ચસ્વના પગલે મહત્તમ તાપમાન ૩.૪ ડિગ્રી ગગડીને ૨૬.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૪ ટકા નોંધાયું હતું.

ઉલ્લેખનિય છે કે, ગત ૨૮મી ડિસેમ્બરથી લઈ ૫મી જાન્યુઆરી સુધીમાં લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી ઉપર જ રહ્યું હતું. પરંતુ ઠંડીમાં થયેલા વધારાના પગલે પ્રથમ વખત ઠંડીનો પારો ૧૪ ડિગ્રીની નીચે પહોંચ્યો છે. હજુ આગામી દિવસોમાં તાપમાન વધુ નીચું જઈ શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.


Google NewsGoogle News