ધાડપાડુ ખજુરીયા ગેંગના ૫ શખ્સો પર ગુજરાતમાં પ્રથમ વાર ગુજસીટોક હેઠળ ગુનો
૩૨.૬૫ લાખની લૂંટ અને ઘાડ કેસમાં સનસનીખેજ વિગતો બહાર આવી,
સંગઠિત થઇને ગુના આચરતી ટોળકી ખજુરીયા ગેંગ તરીકે કુખ્યાત બની છે
અમદાવાદ,10,નવેમ્બર,2021,બુધવાર
ધાડ અને લૂંટફાટના ગુનાઓ તો ઘણી વાર બનતા હોય છે પરંતુ ૧૪ જીલ્લાઓમાં જુદા જુદા સ્થળ અને સમયે સંગઠિત થઇને માલમત્તા લૂંટનારી ખજૂરીયા ગેંગના ૫ શખ્સો પર ગુજરાત આતંકવાદ સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામમાં રહેતા હોટલ માલિક ભરતભાઇ ભરવાડના ઘરે ૨૮ સપ્ટેમ્બરના રોજ સોના ચાંદીના દાગીના,મોબાઇલ રકમ સહિત ૩૧.૬૨ લાખ રુપિયાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે પીપલોદ પોલીસ સ્ટેશનમાં ધાડ અને લૂંટની ફરીયાદ થતા ઘનિષ્ઠ પોલીસ તપાસમાં ૧૧ શખ્સોની ખજુરીયા ગેંગના લૂંટ અને ઘાડના સંગઠિત ગુનાઓ સાથે સંકળાઇ હોવાનો પદાર્ફાશ થયો હતો. લૂંટ અને ધાડના સંગઠિત ગુના આચરતી ટોળકી ગરબાડા તાલુકાના ખજુરીયા ગામ આસપાસની હોવાથી ખજુરીયા નામથી કુખ્યાત છે.
પંચમહાલ રેન્જના ડીઆઇજીપી એમ એસ ભરાડા, અને દાહોદ એસપી હિતેશ જોયસરની સૂચના અને માર્ગદર્શનથી ેે દાહોદ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક લિમખેડા ડિવિઝન ડો કાનનબેન દેસાઇ, ખજુરીયા ગેંગ જામનગર, રાજકોટ અને જુનાગઢ સહિતના ૧૪ જિલ્લાઓમાં ગુનાઓ કેવી રીતે આચરે છે ? તેમને કોણ અને કેવી રીતે ગુના સ્થળે મોકલે છે ? લૂંટ અને ધાડ કરીને મેળવેલી સોના, ચાંદીના દાગીના સહિતની માલમત્તા કોને વેચે છે તેની તપાસ અને પુછપરછ કરી રહયા છે. લૂંટ અને ધાડના એક બનાવની તપાસના આધારે ચોરી કરતી સંગઠિત ગેંગના કરતૂતોની સનસનીખેજ માહિતી બહાર આવી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં જુદા જુદા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ખજૂરીયા ગેંગ સામે ૩૫ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે.જેમાં દાહોદ, ભરુચ, પંચમહાલ, રાજકોટ,જુનાગઢ અને મહેસાણા સહિતના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ પંચેલ ગામમાં બનેલા લૂંટના બનાવ સાથે સંકળાયેલા કુલ ૧૧ માંથી પકડાયેલા ૫ આરોપીઓને વડોદરાની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી ૩ આરોપીઓના ૯ દિવસના રીમાંડ મંજુર કરવામાં આવ્યા હતા. આ લૂંટ અને ધાડ પાડતી એક સંગઠીત ટોળકી હોવાથી ગુજસીટોક કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી કાનનબેન દેસાઇએ જણાવ્યું હતું કે આતંકવાદ અને સંગઠિત થઇને આચરવામાં આવતા ગુનાઓને નાથવા માટે ગુજસીટોકનો કાયદો અમલમાં છે પરંતુ રાજયમાં પ્રથમવાર ચોરી અને ધાડ પાડતી ગેંગ પર લાગુ પાડવામાં આવ્યો હોવાનું બન્યું છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે દાહોદથી મધ્યપ્રદેશના ઇન્દોર તરફ જતા હાઇવે પર પહેલા લૂંટ ફાટ અને ધાડના બનાવો બનતા હતા. છેલ્લા ચાર વર્ષથી નાઇટ પ્રેટ્રોલિગ સઘન બનાવાયું હોવાથી હાઇવે રોબરી અટકાવવામાં પોલીસને સફળતા મળી છે.