શિક્ષણ સમિતિમાં વાલીઓને ઇન્વોલ્વ કરવા પહેલીવાર રાત્રી વાલી મીટીંગનો પ્રયોગ
Image: Facebook
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શ્રમિકો અને નોકરિયાત ના બાળકો અભ્યાસ કરતા હોય દિવસે થતી વાલી મીટીંગમાં તેઓ હાજર રહી શકતા નથી. તેથી શિક્ષકો અને વાલીઓ વચ્ચે સંકલન ન થતું હોવાથી સમિતિની વરીયાવ ની એક શાળાએ વાલી મીટીંગ રાત્રીના સમયે આયોજન કરવાનો નવતર પ્રયોગ કર્યો છે. ત્યારબાદ શાળાના વાર્ષિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત વાલી શિક્ષકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સંકલન કરવામાં આવ્યું હતું. વરીયાવ શાળા માં રાત્રી વાલી મીટીંગ નો પ્રયોગ સફળ થતાં શ્રમજીવી અને નોકરિયાત વર્ગ પણ પોતાના બાળકોના શિક્ષણમાં સીધો જોડાઈ રહ્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1.90 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સમિતિની શાળામાં મોટા ભાગે શ્રમજીવીઓ અને નોકરિયાત વર્ગ ના બાળકો અભ્યાસ કરે છે. સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકો વચ્ચે સંકલન રહે તથા વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે ચર્થા થાય તે માટે વખતોવખત વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે. - પરંતુ આ વાલી મીટીંગ દિવસ દરમિયાન થાય છે અને મોટાભાગના વાલીઓ શ્રમજીવી હોવાથી કામે કે નોકરીએ જતા હોય મોટાભાગના વાલીઓ હાજર રહી શકતા નથી અને વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે સીધી અને સાચી માહિતી થી અજાણ રહે છે.
જેના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલિત કવિ શ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક 316 ના આચાર્ય ઘનશ્યામ કણકોટીયાએ વાલીઓ પોતાના દિકરા ની શૈક્ષણિક પ્રગતિ અને શાળા અંગે માહિતી મેળવે તે માટે રાત્રી વાલી મીટીંગનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓના વાલીઓ કામથી કે નોકરીએથી ઘરે આવ્યા બાદ રાત્રીના 8.30 વાગ્યે શાળામાં રાત્રી વાલી મીટીંગનું આયોજન કર્યું હતું. અનેક વાલીઓ એવા હતા કે જેઓ કામ કે નોકરીના કારણે વાલી મીટીંગમાં હાજર રહી શકતા ન હતા અને રાત્રી વાલી મીટીંગમાં પહેલી વાર હાજર રહ્યા હતા. આ શ્રમજીવીઓ એ પોતાના દિકરા- દિકરીના શિક્ષણ અંગે તથા શાળા અંગેની માહિતી મેળવી હતી. સમિતિની આ શાળાએ વાલી અને શિક્ષકો વચ્ચે સંકલન રહે તે માટે રાત્રી વાલી મીટીંગનો પ્રયોગ કર્યો હતો તે સફળ થયો હતો અને અનેક શ્રમજીવી વાલીઓ પહેલી વાર શાળાની સાથે સીધા જોડાયા હતા.
ત્યારબાદ હાલમાં શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 408 જેટલા બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત વાલીઓ અને શિક્ષકો વચ્ચે સમન્વય રહે તે માટે વાલીઓ અને શિક્ષકોની સંયુક્ત કૃતિ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં શાળાની સિદ્ધિ, શાળામાં થતા ગુણવત્તા યુક્ત શિક્ષણ અને શાળાની સુવિધા અંગેની માહિતી આપવામાં આવી હતી.