વુડા વિસ્તારના વિકાસ માટે ચિખોદરા-અલ્હાદ પુરા તથા વોરા ગામડીની ટી. પી. સ્કીમની પૂર્વ તૈયારી શરૂ
Image Source: Wikipedia
વડોદરા, તા. 08 સપ્ટેમ્બર 2023 શુક્રવાર
વડોદરા શહેર અને વુડા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ટીપી સ્કીમ મંજૂર કરવામાં વિલંબ થતો હતો પરંતુ હવે ગુજરાત સરકારમાંથી વહેલી તકે ટીપી સ્કીમોને મંજૂરી મળી રહી છે ત્યારે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડાએ નવી ટીપી સ્કીમો બનાવવા કાર્યવાહી શરૂ કરી છે.
ચિખોદરા અને અલ્હાદપુરા તથા વોરા ગામડી માટે મુસદ્દા રૂપ નગર રચના યોજના બાબતે સમજૂતી અંગે જમીન માલિકો સાથે બેઠક યોજાઈ ગઈ છે. આ અંગે કોઈ વાંધા સૂચનો હોય તો રજૂઆત માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળની જૂન,૩૦૨૩ તારીખે મળેલી બોર્ડ બેઠકમાં નગર રચના યોજના ચીખોદરા અને અલ્હાદપુર તથા વોરા ગામડી માટેનો ઇરાદો જાહેર કરેલ હતો. ત્યારબાદ આ અધિનિયમની જોગવાઈ હેઠળ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ આ મુસદ્દારૂપ નગર રચના યોજનાની કામચલાઉ દરખાસ્તો તૈયાર કરીને તેની સમજૂતી આપવા માટે યોજના વિસ્તારના તમામ જમીન માલિકો અને હિત સંબંધ ધરાવનાર વ્યક્તિઓની જાહેર સભા વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, વીઆઇપી રોડ કારેલીબાગ ખાતે ચિખોદરા અને અલ્હાદ પુર માટે ગઈ તા. ૧ સપ્ટે.ના રોજ બપોરે ૧૦.૩૦થી ૧૨.૩૦ યોજવામાં આવી હતી.આ ઉપરાંત વોરા ગામડી માટે ૨.૩૦થી ૪.૩૦ સુધી યોજાઈ હતી આ અંગે મુસદ્દા રૂપ નગર રચના યોજનાની કામચલાઉ દરખાસ્ત અંગેનું સાહિત્ય જોવા માટે આ બંને જાહેર સભા રાખવામાં આવેલ હતી. આ અંગે સમજૂતી પણ આપવામાં આવી હતી.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ યોજનાનો મુસદ્દો લોકોના વાંધા સૂચનો મેળવવા સારું આ જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ અંગે સરકારના રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયેથી એક માસમાં હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓ કે જમીન માલિકોએ પોતાના વાંધા સૂચનો લેખિતમાં ચાર નકલ સાથે મુખ્ય કારોબારી કારોબારી અધિકારી, શહેરી વિકાસ સત્તા મંડળ વડોદરાની કચેરીમાં આપવા જણાવ્યું છે વાંધા સૂચનોને ગુણવત્તાના ધોરણે ધ્યાને લઈને આ યોજનાના મુસદ્દામાં જરૂર જણાશે તો યોગ્ય ફેરફાર કરીને યોજનાને કાયદા હેઠળ સરકારમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.આ યોજના અંગેનું સાહિત્ય જાહેર જનતાને જોવા માટે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળની કચેરી , વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, વીઆઇપી રોડ, કારેલીબાગ ખાતે કામકાજના દિવસો દરમિયાન કચેરીના સમયમાં ખુલ્લું રાખવામાં આવેલ છે તથા વુડા ની વેબસાઈટ ઉપર પણ રજૂ કરવામાં આવેલ છે. આ યોજનાની દરખાસ્ત સમજાવવા માટેની પણ વ્યવસ્થા શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરાઇ હોવાનું જણાવ્યું છે.