સરકારી અનાજ ચોરી કરતાં ભાજપના નેતા સહિત 8 સામે ફરિયાદ, તપાસમાં 200 બોરી પકડાઈ
Foodgrain Scam In Sagbara: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવતા ખડભડાટ મચી છે. આ મામલે સાગબારા મામલતદાર દ્વારા પ્રાથમિક તપાસનો દોર શરૂ થયો હતો. જેમાં અનેક શકમંદોના નિવેદનો લેવાયા બાદ તપાસના અંતે અનાજના કાળાબજારના ગુનામાં સુરત ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા અને ગોડાઉન માલિક સહિત 8 શખસ સામે ગુનો દાખલ કરાયો છે.
જાણો શું છે સમગ્ર મામલો
19મી જુલાઈએ સેલંબાના પાંચપીપરી રોડ ખાતે આવેલા એક ખાનગી માલિકીના ગોડાઉનમાં સરકારી અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું હતું. ત્યારે જ બાતમીના આધારે મામલતદાર અને સર્કલ ઓફિસરની ટીમે દરોડા પાડી સરકારી ટેમ્પોમાંથી અનાજનો જથ્થો વગે કરાતો હોવાનું ઝડપાઈ ગયું હતું. મામલતદારે ટેમ્પો અને ગોડાઉનમાંથી સરકારી ઘઉંની 200 બોરી અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: સરકારનો નિર્ણય : સામાજિક લાગણી દુભાય નહીં તે માટે આ શબ્દ પર લગાવાયો પ્રતિબંધ
કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાથી મામલતદારે તપાસ હાથ ધરી હતી. જેમાં મામલતદારે ગોડાઉનના માલિક, એફસીઆઈ ગોડાઉન મેનેજર, ડીએસડી કોન્ટ્રાક્ટર સહિત શકમંદોની પૂછપરછ કરી નિવેદનો લીધા હતાં. પરંતુ અનાજના જથ્થો કોણ અને ક્યાંથી લાવ્યો તેનો સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. જેથી સરકારી અનાજ કાળા બજારમાં સગેવગે થતું હોવાનું જણાતાં મામલતદારે ગોડાઉન માલિક સહિત 8 લોકો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અનાજ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટર ભાજપ સાથે સંકળાયેલો
મામલતદારે જે 8 શખસો સામે ફરિયાદ નોંધાવી છે, તેમાં સુરતની અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઈટર મનિષ શાહનું નામ પણ સામેલ છે. જે ભાજપ સાથે સંકળાયેલો હોવાથી રાજકીય વગ ધરાવતો હોવાનું અને નર્મદા સહિત તાપી, વલસાડ, છોટાઉદેપુર અને ગાંધીનગર જિલ્લામાં પણ કોન્ટ્રાક્ટ ધરોવતો હોવાનું જાણવા મળ્યું છે. તે જિલ્લામાં પેટાકોન્ટ્રાક્ટર ઊભા કરી કામગીરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આનંદ વસાવા ટેમ્પો માલિક અને મનિષ શાહનો માણસ છે, જયકુમાર વસાવા વાજબી ભાવની દુકાનના સંચાલક છે. જ્યારે સચિન નવનીતલાલ શાહ ગોડાઉનનો માલિક છે, જ્યાં અનાજનો જથ્થો વગે કરાતો હતો. નવનીતલાલ શાહ સેલંબાનો અનાજનો મોટો વેપારી છે, જે વર્ષોથી મનિષ શાહ સાથે મળી ધંધો કરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.