વડોદરામાં નાતાલને ધ્યાનમાં રાખી બેકરી અને કેક શોપમાં ફૂડ સેફટી વિભાગનું ચેકિંગ
Vadodara Food Safety : આગામી નાતાલ પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની 'કેક' ની ભારે માંગ રહે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્રની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી બેકરી શોપ અને કેકની દુકાનોમાંથી સેમ્પલો લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
આગામી નાતાલ પર્વની ભવ્ય ઉજવણી શહેરના વિવિધ વિસ્તારોમાં ધામધૂમથી કરવામાં આવે છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણી વિવિધ ધર્મના લોકો કેક કાપીને કરે છે ત્યારે, શહેરના મોટાભાગની બેકરીઓ સહિત પ્રોવિઝન સ્ટોર અને મોલમાં પણ હવે કેકનું વેચાણ થાય છે. આગામી નવા વર્ષની ઉજવણી સહિત નાતાલની પણ ઉજવણી નિમિત્તે કેક કાપીને મનાવવામાં આવે છે. જેથી વિવિધ ફ્લેવરની કેક માટે ભારે માંગ રહે છે. જ્યારે બીજી બાજુ કેટલાક દુકાનદારો પોતાની પાસેની વાસી અને ફુગવાળી કેકનો પણ નિકાલ કરી દેવાના ઈરાદે ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. પરિણામે ફૂડ પોઈઝન પણ કેટલીકવાર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. જેથી પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ચારે બાજુએ આવેલી બેકરી શોપ, કેકનું વેચાણ કરતા પ્રોવિઝન સ્ટોરવાળા તથા અન્ય વેપારીઓને ત્યાં અચાનક ચેકિંગ કર્યું હતુ નમુના મેળવી લેબોરેટરીમાં પેકિંગ માટે મોકલવામાં આવ્યા હતા.