ગણેશોત્સવમાં બિરીયાની પ્રસાદ આરોગ્યા બાદ 100થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ગણેશોત્સવમાં બિરીયાની પ્રસાદ આરોગ્યા બાદ 100થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ 1 - image


જામનગર નજીક હાપાની એલગન સોસાયટીમાં ભારે દોડધામ : જી.જી. હોસ્પિટલમાં બાળકો અને પરિવારજનો સારવાર માટે દોડી આવતાં પથારીઓ ખૂટીઃ 26 બાળકોને દાખલ કરાયા, અન્યને  પ્રાથમિક સારવાર  અપાઇ

 જામનગર, :  જામનગર નજીક હાપા ખાતે આવેલી એલગન સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગઈ રાત્રે પ્રસાદીમાં બિરીયાની આરોગ્યા બાદ 100 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનની અસર થતાં ભારે દોડધામ થઈ હતી, અને જુદી જુદી 108ની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી. એક બાજુ જી.જી. હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓ અને તેના સગાઓએ ભારે પડાપડી કરી હતી, અને હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં જમીન પર સૂવાનો વારો આવ્યો હતો.

હાપા એલગન સોસાયટી વિસ્તારમાં મોટાભાગના કોળી પરિવારો રહે છે. ત્યાં ગઈ રાત્રે ગણપતિ મહોત્સવ દરમિયાન બિરીયાની પ્રસાદી રૂપે બનાવાઇ હતી. અને જે પરિવારના  સભ્યોએ પ્રસાદ આરોગ્યો હતો. તે પૈકીના ખાસ કરીને નાના બાળકોમાં અસર જોવા મળી હતી, અને રાત્રીના 12.30 વાગ્યાથી ઝાડા ઉલટીની અસર થતાં બાળકોને જી.જી. હોસ્પિટલમાં લાવી રહ્યા હતા.જે વહેલી સવારે 4 વાગ્યા સુધી દોડધામ ચાલુ રહી હતી. 

પીડિયાટ્રિક વિભાગમાં બાળકો અને તેના વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. અને બેડ ખુટી પડયા હતા. એક - એક 108 ની એમ્બ્યુલન્સમાં  પાંચથી દસ બાળકોને સારવાર માટે લઈ આવવાનો વારો આવ્યો હતો. જ્યારે બેડ ખૂટી પડતાં બાળકોને જમીન પર સુવડાવીને સારવાર લેવી પડી હતી. વહેલી સવાર સુધીમાં  4 વર્ષ થી લઈને 17 વર્ષ સુધીના કુલ 26  બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.  જોકે તમામ બાળકો ભયમુક્ત છે. આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ બાળકો સહિતના ભોગ બનનારને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે.


Google NewsGoogle News