રાજકારણમાં ચાલતી અનેક અટકળો વચ્ચે કોર્પોરેટર અમિત રાજપૂતનો પોલીસને જવાબ : દુધ પૌંઆના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હતું
Surat Amit Rajput : સુરત ભાજપના વિવાદિત કોર્પોરેટરને રહસ્યમય રીતે ફૂડ પોઈઝનિંગ થતાં સુરતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી. ચાલતી અનેક અટકળો વચ્ચે જેમને ફૂડ પોઈઝનિંગ થયું છે તેવા કોર્પોરેટરે પોલીસને જવાબ લખાવ્યો છે કે, શરદ પૂનમની રાત્રે ટેરેસ પર મુકેલા દુધ પૌંઆ ખાતા ફૂડ પોઈઝનિંગ થયું હતું. જોકે, અન્ય કોઈએ પણ આ દુધ પૌંઆ ખાતા ન હોવાથી તેઓ ફૂડ પોઈઝનિંગથી ચમત્કારિક રીતે બચી ગયા હતા.
સુરત ભાજપમાં વિવાદનો પર્યાય બની ગયેલા પુર્વ શાસક પક્ષ નેતાના નામે વધુ એક વિવાદ જોડાયો છે. ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપુતને શનિવારે રહસ્યમય રીતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોરની ઘટના છેક મોડી સાંજે પ્રકાશમાં આવતા અનેક અટકળો વહેતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં ડોક્ટર કોઈ દવા પીધી હોવાનું અનુમાનનું કહ્યું હતું. જોકે, શનિવારે મોડી સાંજે કોર્પોરેટરના ભાઈએ દુધ પૌંઆ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાની વાત કરી હતી. જોકે, ત્યાં સુધીમાં તો અમિતસિંહ આત્મહત્યા માટેનો પ્રયાસ કર્યો હતો અને તેના માટે અનેક કારણોની પણ ચર્ચા સુરતના રાજકારણમાં થઈ હતી. તેનું ખંડન કરવા માટે ભાજપના નેતાઓએ નિવેદન કરવા પડ્યા હતા.
જોકે, રવિવારે તેમની તબિયત સુધારા પર રહેતા પોલીસે અમિત રાજપૂતનું નિવેદન લીધું હતું. જેમાં તેઓએ શરદ પૂનમની રાત્રે ટેરેસ પર મુકેલા દુધ પૌંઆ ખાતા ફૂડ પોઈઝનિંગ થયું હતું તેવું કહ્યું છે. આ દુધ પૌંઆ પરિવારના અન્ય કોઈએ ખાધા ન હોવાથી તેઓ ચમત્કારિક રીતે બચી ગયા હતા. જોકે, રાજપુતના આ નિવેદન બાદ અનેક પ્રશ્નો ઉભા થયા છે કે આ ફૂડ પોઈઝનિંગનું કારણ શું છે ? અન્ય કોઈ જગ્યાએ ફૂડ પોઈઝનિંગ થાય તો પાલિકાના આરોગ્ય વિભાગ તળિયા ઝાટક તપાસ કરે છે અને ફૂડ પોઈઝનિંગનું કારણ શોધે છે. પરંતુ પાલિકાના પૂર્વ શાસક પક્ષ નેતાને ફૂડ પોઈઝનિંગ થયું અને તેની હાલ ગંભીર થઈ અને હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે તેવી સ્થિતિ છતાં પાલિકાના આરોગ્ય વિભાગે કોઈ તપાસ કરી નથી તે પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
રાજપુતે ભલે દુધ પૌંઆના કારણે ફૂડ પોઈઝનિંગ અંગેનું નિવેદન પોલીસને આપ્યું છે. પરંતુ સુરતના રાજકારણમાં આ ફૂડ પોઈઝનિંગનો કિસ્સો હોટ ટોપીક બન્યો હતો અને રાજકારણમાં તરહ તરહની ચર્ચા થઈ રહી છે.