ડુપ્લીકેટ ચીજો બનાવતી ફેકટરીઓ મુદ્દે ફુડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ નેતાઓની ભૂમિકા શંકાસ્પદ
- ઓલપાડના માસમા ગામે ડુપ્લીકેટ ઘી, તેલ, પાનમસાલાની ફેટકરીઓ પકડાઇ રહી છેઃ અધિકારીઓ મૌન રાજકીય નેતાઓની ભાગબટાઇનો આક્ષેપ
સુરત
ઓલપાડના માસ્મા ગામમાં છેલ્લા એક વર્ષમાં ડુપ્લીકેટ ઘી, તેલ, પાન મસાલાની ફેકટરી પકડાઇ હોવાછતા આ ઘંધો આજે પણ બેરોકટોર ચાલી રહ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કડક કાર્યવાહીની વાતો કરે છે. પરંતુ એક જ સ્થળ કે ગામમાંથી અવારનવાર ડુપ્લીકેટ બનાવવાનું રેકેટ ઝડપાતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક નેતાઓની કામગીરી શંકાના દાયરામાં આવી ગઇ છે. આ બાબતે તપાસ કરવાની માંગ ઉઠી છે.
કોરોનાકાળમાં ઓલપાડના પીંજરંત ગામમાંથી ડુપ્લીકેટ રેમડેસીવીરના ઇન્જેકેશનો પકડાયા બાદ છેલ્લા ચાર વર્ષમાં અવારનવાર ડુપ્લીકેટ બનાવવાનું રેકેટ ઝડપાતુ જ રહે છે. જેમાં ઓલપાડનું માસ્મા ગામની આજુબાજુ આવેલા રહેણાંક વિસ્તારો કે ઇન્ડસ્ટ્રીઝો તો ડુપ્લીકેટ બનાવવાવાળા માટે તો સ્વર્ગ સમાન છે. કોઇ રોકટોક વગર ચાલ્યા જ કરે છે. આ અંગે ઓલપાડના જાગૃત નાગરિક યોગી પટેલે ઓનલાઇન મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે કે અગાઉ જ આ જ માસ્મા ગામે ચાલી રહેલ ડુપ્લીકેટ ધી અન્ય પાન મસાલા બનાવવાની ફેકટરી પકડાઇ હતી. અને પાછુ તાજેતરમાં જ બનાવટી ધીની બે ફેકટરી પકડાઇ છે. વારંવાર એક જ વિસ્તારમાંથી આવી બનાવટી અને ડુપ્લીકેટ ખાદ્ય પદાર્થ બનાવવાની ઘટના સામે આવી રહી હોઇ તો સરકારે કે વહીવટી તંત્ર કેમ લાચાર છે ? એકબાજુ સરકાર લોકોના આરોગ્ય માટે ચિંતાતુર છે. જયારે બીજી બાજુ ડુપ્લીકેટ બનાવાની કામગીરી કરીને લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. તો ઓલપાડ તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ મૂક પેક્ષક બનીને આખ આડા કાન કરી રહ્યા છે.
એક વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી હોવાથી અધિકારી પદાધિકારીઓ તેમજ વિપક્ષના સભ્યોની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઇ છે. જેથી ગોરખધંધો કરનારા લોકો તેમને છાવરનારા તંત્રના અધિકારીઓને અને તેમની પાસે ભાગ પડાવવા દોડી જતા તત્વો અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.