ભાદર નદીની ધાબીમાં સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીના ફીણના ગોટેગોટા ઉડયા
જેતપુર તાલુકાના કેરાળી ગામ નજીક પ્રદૂષણથી પરેશાની : પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની મીઠી નજર તળે પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ બેફામ
જેતપુર, : રાજકોટ જિલ્લાના જેતપુરનું નામ તેના સાડી ઉદ્યોગ સાથે પ્રદુષણમાં પણ પ્રખ્યાત છે. જેતપુરના પ્રદુષણના પાપીઓએ નદી-નાળાને પ્રદુષિત કરી નાંખ્યા છે ત્યારે કેરાળી ગામ જવાના રસ્તે આવેલ ચેક ડેમ કેમિકલથી બનતા ફીણના ગોટે ગોટા હવામાં ઉડવા લાગ્યા છે. સમગ્ર ચેક ડેમ આ પ્રદૂષણના કેમિકલ વાળા પાણીથી બનેલા ફીણના ગોટાથી દૂષિત બની ગયા છે. જાણે એવું લાગે કે બરફની ચાદર પથરાય ગઈ હોય .
જેતપુરના ઉપરવાસમાં વરસાદ વરસતા નાના મોટા 8 જેટલા ચેક ડેમો આવેલ છે અને આ ચેક ડેમો ભરાઈ જતાં જેતપુરના પ્રદુષણના પાપીઓએ પ્રદુષિત પાણી છોડીને ભરી દીધા છે. છેલ્લા ૨ દિવસમાં જ્યારે મેઘરાજા મન મૂકીને વરસ્યા ત્યારે આ ડેમોમાં વરસાદી પાણી આવ્યું અને તે સાથેજ આ પ્રદુષિત પાણીએ પોતાની જાત બતાવી છે.
નદીના આજુ બાજુના ગામોની પ્રદુષણની સમસ્યા રોજે રોજ અને વર્ષોથી છે. અહીંના ખેડૂતો કાયમ આ સમસ્યાનો સામનો કરે છે. ક્યારેય પીવા લાયક ના હોય તેવું આ પ્રદુષિત પાણીને જો પશુ પણ અડકી લે તો ચામડી ઉતરવા સાથે ઘણા કિસ્સામાં મોતને ભેટે છે. આ તામમ સમસ્યાથી તંત્ર અહીં ભેદી મૌન રાખીને બેઠું છે.
પ્રદુષણ માફિયાઓ જાણે ભાદર નદી માલિકીની હોઈ તેમ કેમિકલયુક્ત પાણી નદીમાં બેફિકરાઈથી ઠાલવી રહ્યા છે . બે દિવસથી મેઘરાજાએ વરસાદની ઝલક દેખાડતાની સાથે જેતપુર તાલુકાના કેરાળી જવાના કોઝવે પર ભાદર નદીના અચાનક કેમીકલ યુક્ત પાણીના ફીણ જોવા મળતા પ્રદુષણ પાપીઓની છબી છતી થઇ હતી.જો કે અમુક પ્રોસેર્સ ધારકો રાત્રીના સમયે ટેન્કરો કે ભુર્ગભ પાઇપો દ્વારા નદીમાં ટ્રીટ કર્યા વગરનું સીલીકેટ-કાસ્ટીક સહિતના રાસાયણીક તત્વોથી ભરેલ કેમીકલ યુક્ત પ્રદુષીત પાણી સીધુ ભાદર નદીમાં છોડી પર્યાવરણની ઘોર ખોદી રહ્યા છે. પ્રદુષણ નિયત્રંણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સાથે જેતપુરના પ્રદૂષણ માફિયા સાઠ ગાંઠ ધરાવતા હોવાથી પ્રોસેર્સના કેમીકલ ઠાલવતા મગરમચ્છોને પાછલા બારણેથી સાચવવાની ટેવાયેલ છ.ે જેથી અધિકારીના વાંકે જેતપુર તાલુકાના ગ્રામ્ય વાસીઓ તેમજ નદીના ઉપરવાસમાં પાણીનો પ્રશ્ન પ્રજાને સહન કરવાનો વારો આવી રહ્યો છે. આટલી હદે પ્રદુષણ નદીઓમાં ઠલવવા છતાં કોઇ અધિકારી એક શબ્દ માત્ર ઉચ્ચારવા તૈયાર નથી. અધિકારી માત્ર અમે રીપોર્ટ કરી રહ્યા છીએ. આ ગોખાયેલી-ચવાયેલી કેસેટ વગાડે છે .અહી રાજકોટ ગેમઝોન જેવી જ પ્રદૂષણ દૂર્ઘટના બને એમ છે. છતા પીએનબી અધિકારીઓ ગંભીર બનતા નથી.