Get The App

ફ્લાયઓવર, વ્હાઈટ ટોપિંગ રોડ, અકવાડા તળાવના કામ સમય મર્યાદામાં ન થયા !

Updated: Jan 12th, 2025


Google News
Google News
ફ્લાયઓવર, વ્હાઈટ ટોપિંગ રોડ, અકવાડા તળાવના કામ સમય મર્યાદામાં ન થયા ! 1 - image


- વારંવાર સમય માર્યાદા વધારવા છતાં મોટાભાગના વિકાસ કામો અધૂરાં છતાં શહેરમાં બે કેમ્યુનિટી હોલ, બે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા મનપાની કારોબારી સૈધ્ધાંતિંક મંજૂરી આપશે   

- ઝડપી કામ કરવાની ભાજપ શાસિત મનપાના શાસકોની માત્ર વાતો  

ભાવનગર : ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકા વિકાસની મોટી વાતો સાથે કામોની જાહેરાત અને તેની શરૂઆત કરી દે છે પરંતુ બાદમાં સમયમર્યાદામાં કામગીરી ન થવાના કારણે શહેરીજનોની હાડમારીમાં સતત વધારો થવાની સાથે સમય અને નાણાંનો પણ વ્યય થતો હોવાની ફરિયાદો હવે સામાન્ય બની છે. તાજેતરમાં જ શહેરના ફલાયઓવરની કામગીરી ઝડપી બનાવવાની શાસકોની મોટી જાહેરાતો વધુ એક પોકળ સાબિત થઈ છે. આગામી બુધવારે મળનારી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફ્લાયઓવર, વ્હાઈટ ટોપીંગ રોડ, અકવાડા તળાવ, પેવિંગ બ્લોક નાંખવાના સહિતના કામોની સમય મર્યાદા વધારવા નિર્ણય લેવાશે. જો કે, મનપા દ્વારા હાલના કામોમાં સમયમર્યાદા વધારવામાં આવી રહી છે તેવામાં શહેરમાં વધુ બે કોમ્યુનિટી હોલ, બે સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિત અંદાજે ૨૦૦ કરોડના કામોને મંજૂરી આપવામાં આવશે. 

મહાપાલિકાના હોલ ખાતે આગામી તા. ૧પ ને બુધવારે સાંજે પાંચ કલાકે ચેરમેનના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળશે. જેમાં જુદા જુદા કામના ૬૦ ઠરાવને બહાલી આપવામાં આવશે, જેમાં ંમુખ્યત્વે શહેરના  ૧૧ ઓગષ્ટ-૨૦૨૦ની સ્થિતિએ ૨૪ માસમાં ફ્લાયઓવર પૂર્ણ કરવાની શરતે રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને કામ સોંપવામાં આવ્યું હતું. બાદમાં તેની સમય મર્યાદા વધુ ૧૮ માસ ઉમેરી ૯ ફ્રેબૂઆરી,૨૦૨૪ કરવામાં આવી હતી. જો કે, આ સમય દરમિયાન ભાજપના શાસકોએ  ફ્લાયઓવરની કામગીરી ઝડપી પૂર્ણ કરવા  મસમોટા દાવા કર્યા હતા. પરંતુ, હકિકતે કામ શરૂ થયાના ચાર વર્ષ બાદ પણ ફ્લાયઓવર પૂર્ણ થયો નથી. તેવામાં આ બેઠકમાં વધુ એક વખત સમયમર્યાદા વધારવા અંગે  અંગે આવેલી દરખાસ્ત  પર ચર્ચા કરવામાં આવશે. દરખાસ્તમાં જણાવ્યાનુંસાર, આર. એન્ડ બી., ડીઝાઈન સર્કલ તરફથી ડ્રોઇંગની મંજૂરી પ્રાપ્ત થઈ હતી તે મુજબ કોન્ક્રીટની કામગીરી થઈ  છે. સૂચિત કામમાં નિયત સમયમર્યાદામાં ડ્રોઇંગની મંજૂરી પ્રાપ્ત ન થવાના કારણે તથા દરખાસ્તમા જણાવેલ જુદી જુદી વિગતો અને કારણોસર  કામમાં વિલંબ  થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.તો,ફ્લાયઓવરના કામમાં અત્યાર સુધીમાં જે ડ્રોઇંગની મંજૂરી પ્રાપ્ત થઈ તે મુજબ બાકી રહેતી શાસ્ત્રીનગરથી સરિતા કોમ્પલેક્ષ સુધી સુપર સ્ટ્રક્ચરની કામગીરી પુર્ણ થયા બાદ ટ્રાફિક નિયંત્રણ માટેની વ્યવસ્થા કરી કુંભારવાડા તરફના એપ્રોચ માટે સુપર સ્ટ્રક્ચરની કામગીરી હાથ ધરવામાં આવે તો, આગામી તા. ૩૦ ઓકટોબર,૨૦૨૫ સુધીનો સમય લાગી શકે તેવો અભિપ્રાય આપવામાં આવ્યો છે. જે દરખાસ્ત અને અભિપ્રાયને ધ્યાને લઈ બેઠકમાં ફલાય ઓવરના કામની સમય મર્યાદા વધારવા અંગેનો નિર્ણય લેવામાં આવેશે. 

ઉપરાંત બેઠકમાં ચિતરંજન ચોકથી ભીડભંજન ચોકથી સુધી વ્હાઈટ ટોપિંગ રોડનું કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થયુ ન હતુ તેથી એજન્સી બી.આર.ગોયલ ઈન્ફ્રાસ્ટ્રકચર લી.ને આ કામની સમય મર્યાદા તા. રપ ઓગષ્ટ,ર૦ર૪થી તા.ર૦ નવેમ્બર,ર૦ર૪ સુધી વધારી આપવા નિર્ણય કરાશે, જયારે અકવાડા તળાવના વિકાસ ફેઝ-રના કામની મુદ્દત વધારી આપવા દરખાસ્ત રજૂ થઈ છે. આ કામ માટે વધુ ગત તા. ૪ સપ્ટેમ્બર,ર૦ર૪થી ૧૦ માસ એટલે કે આગામી તા. ૩ જુન,ર૦રપ સુધી અંતિમ મુદ્દત વધારી આપવાની મંજૂરી આપવા બેઠકમાં નિર્ણય કરાશે. આ ઉપરાંત, ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં વિવિધ જગ્યાએ પેવિંગ બ્લોકનું કામ પણ સમય મર્યાદામાં થયુ નથી તેની પણ સમય મર્યાદા વધારવા બેઠકમાં ચર્ચાના અંતે નિર્ણય લેવાશે. આ સાથે 

મનપાના નાયબ કમિશનર (જનરલ) માટે વાહન ખરીદવા રૂ. ૧૦.પ૦ લાખનો ખર્ચ કરવા, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એક-એક કોમ્યુનિટી હોલ બનાવવા, પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં પાંચ-પાંચ જગ્યાએ ઓપન જીમ (કસરત કરવાના સાધનો સાથે) તથા વિવિધ ઇન્ડોર-આઉટડોર રમતો માટે બન્ને ે વિસ્તારમાં એક-એક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવા સહિત અંદાજે ર૦ર.૧૭ કરોડના વિકાસ કામોને બેઠકમાં સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે. 

Tags :
Flyover-White-Topping-RoadAkwada-Lake-work-was-not-donewithin-the-time-limit

Google News
Google News