ગણેશોત્સવમાં ફૂલના ભાવ આસમાને પહોંચતા ભક્તોના બજેટ ખોરવાયા : ગુલાબનો ભાવ પહોંચ્યો 1000 રૂપિયા કિલો
image : Freepik
Ganesh Utsav Flower Price Hike : ગણેશોત્સવ પર્વ નિમિત્તે શ્રીજીની પૂજામાં વિવિધ ફૂલો વપરાતા હોય છે. પરિણામે જય શ્રી કૃષ્ણ શહેરના સૌથી મોટા બજાર ખંડેરાવ માર્કેટમાં વિવિધ ફૂલના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે શહેરના અન્ય છુટક બજારમાં માર્કેટના ભાવથી ફૂલ અને હારનું દોઢા ભાવથી વેચાણ થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસના પ્રારંભથી જ નાના મોટા ધાર્મિક તહેવારો સતત આવતા રહે છે. જેમાં નાગ પાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, નંદોત્સવ, સહિત શ્રીજીનો સૌથી મોટો દસ દિવસનો તહેવાર ભાદરવા માસમાં આવતો હોય છે. દસ દિવસ સુધી શ્રીજી ભક્તજનો દ્વારા ભવ્ય આતિથ્ય માણવા પધારે છે. શ્રીજીની સવાર-સાંજ આરતી-પૂજા થાય છે. જ્યારે કેટલાક ગણેશ સ્થાપન આયોજકો દ્વારા સત્યનારાયણ ભગવાનની પૂજા સહિત શ્રીજીનું વિવિધ ધાર્મિક પૂજન સતત થતું રહે છે. આ તમામ ધાર્મિક તહેવારો નિમિત્તે ફૂલ-હારનું પણ ખૂબ જ મહત્વ રહે છે. પરિણામે આ દિવસોમાં ફૂલ-હારની માંગ ખૂબ વધી જતી હોય છે. જ્યારે બીજીબાજુ ફૂલ બજારમાં આ ધાર્મિક તહેવારો નિમિત્તે વિવિધ ફૂલ અને હારના ભાવ પણ આસમાને પહોંચી જતા હોય છે.
વડોદરા શહેરના સૌથી મોટા ફુલ બજાર ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય રીતે રૂપિયા 40-50ના એક કિલોગ્રામ ગુલાબના ફૂલનો ભાવ પ્રતિ કિલો ગ્રામ રૂપિયા 1000 જેવો થઈ ગયો છે. સામાન્ય રીતે 30થી 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી વેચાણ થતા ગોટાનો ભાવ પ્રતિ કિલો ગ્રામ રૂપિયા 250 જેવો હાલમાં બોલાઈ રહ્યો છે. આ ઉપરાંત સેવંતી ફુલનો ભાવ પ્રતિ કિલો ગ્રામ રૂપિયા 800 હાલમાં થયો છે. જોકે શહેરના વિવિધ વિસ્તારના છૂટક બજારમાં ફૂલનો ભાવ ખંડેરાવ માર્કેટના ભાવથી સામાન્ય રીતે દોઢ ગણા હોય છે.
આવી જ રીતે ગુલાબનો હાર દોઢ ફૂટ જેટલાનો ભાવ 150 રૂપિયા જેટલો અને ગોટાના ફૂલનો ભાવ રૂપિયા 100 જેટલો થઈ ગયો છે. જોકે આ અંગે ફુલ માર્કેટ બજારમાં તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે અને બે વાર આવેલા ભારે પૂરના કારણે ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા છે. ત્યારે કેટલીક જગ્યાએ હજી ખેતરો જોઈએ એટલા પ્રમાણમાં સુકાયા નથી પરિણામે તેની ગંભીર અસર વિવિધ ફૂલની આવક પર પડી છે, પરિણામે જુદી-જુદી જાતના ફુલના ભાવ હાલમાં આસમાને પહોંચ્યા છે.