'ફ્લડ ટુરિઝમ' કરતાં ભાજપના નેતાઓથી અકળાઈ પ્રજા, વડોદરામાં પ્રવેશબંધીના બેનરો લગાવ્યાં
Flood Tourism : લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી ત્યારે ચૂંટણીના સમયે મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો વિસ્તારોમાં લાગતા હોય છે. પરંતુ હાલમાં કોઇ ચૂંટણી નથી છતાં વિશ્વામિત્રીના પૂરની પરિસ્થિતિ બાદ નેતાઓ ફોટા પડાવવા લોકો વચ્ચે નીકળી પડે છે. તેનો આક્રોશ હવે બેનરો લગાડીને શરૂ થયો છે.
વડોદરામાં પૂરની પરિસ્થિતિ લોકોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના દંડક બાળુ શુકલ, મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ, તથા કેટલાક કોર્પોરેટર વિવિધ વિસ્તારમાં લોકોની તકલીફોમાં મદદરૂપ થવા પહોંચ્યા પરંતુ લોકોના આક્રોશનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.
લોકસભા, વિધાનસભા, કોર્પોરેશનની ચૂંટણી સમયે લોકોની પ્રાથમિક સુવિધા મળતી હોતી નથી ત્યારે મતદાનના બહિષ્કારના બોર્ડ લાગતા હોય છે પરંતુ આ વખતે પૂરની પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા લોકોમાં નેતાઓ માટે ઘૃણા પેદા થઇ છે.
સમગ્ર રાજ્ય ત્રીસ વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે તેનું મુખ્ય કારણ મઘ્યમવર્ગ, શિક્ષિત અને ધનિક વર્ગ પણ છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં 1976 પછી સૌ પ્રથમવાર સૌથી વઘુ પૂરના પાણી નીચાણવાળામાં જ નહીં પરંતુ વિશ્વામિત્રીથી એક કિલોમીટર દૂર એવા વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં તો ક્યારે પણ પાણી ભરાતા ન હતા તેવા વિસ્તારોની સોસાયટીઓમાં એક માળ સુધી પૂરના પાણી પહોંચી ગયા હતા. જેથી લોકોમાં નેતાઓ પ્રત્યે આક્રોશ વધી રહ્યો છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી પુરૂષોત્તમનગર સોસાયટીના લોકોએ સોસાયટીના નાકે બેનર મારી લખ્યું છે કે, આ સોસસાટીમાં કોઇ પણ રાજકારણી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં. એજ પ્રમાણે પ્રતાપબાગ સોસાયટીના લોકોએ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચૂંટણી બહિષ્કાર મહેરબાની કરીને કોઇપણ નેતા કે પ્રમુખએ સોસાયટીમાં પગ મૂકશો નહી તેવા લખાણ લખી આક્રોશ વ્યક્ત કર્યો છે.