વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા સરકારે બે મંત્રીને દોડાવ્યા, સાત લાખ લોકો અંધારપટમાં

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા સરકારે બે મંત્રીને દોડાવ્યા, સાત લાખ લોકો અંધારપટમાં 1 - image


Flood in Vadoara: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લીધે મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બન્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરા દોડાવ્યા છે.

આ બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અને રાહત કામગીરીની જાણકારી મેળવશે. સરકારે વડોદરા મોકલેલા મંત્રીઓમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વાકર્માનો સમાવેશ થાય છે. આ બંને મંત્રીઓ વડોદરાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે. તેમજ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના ધારાસભ્યો સાથે બેઠક પણ યોજશે.


વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા સરકારે બે મંત્રીને દોડાવ્યા, સાત લાખ લોકો અંધારપટમાં 2 - image


વડોદરાને બચાવવા આજવામાં પાણી છોડવાનું બંધ 

વિશ્વામિત્રીના પૂરમાં તારાજ થઈ રહેલા વડોદરા શહેરને બચાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે રાત્રે 11 વાગ્યાથી આજવામાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો. તેનું કારણ એ છે કે, આજવાનું પાણી વિશ્વામિત્રીમાં આવતું બંધ થાય અને શહેરમાં વિશ્વામિત્રીના પાણીની સપાટી ઘટી જાય તો લોકોને કંઈક અંશે રાહત મળે. જો કે કેલક્યુલેટેડ રિસ્ક તરીકે ગણાવાયેલા આ નિર્ણયની અસર પણ જોવા મળી નથી. 12 કલાક પછી પણ વિશ્વામિત્રીનું પાણી શહેરના જળમગ્ન વિસ્તારોમાંથી ઓસરી રહ્યું નથી. ઉલટાનું હવે વિશ્વામિત્રીના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.

વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા સરકારે બે મંત્રીને દોડાવ્યા, સાત લાખ લોકો અંધારપટમાં 3 - image

કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં ઠલવાય છે પણ અત્યારે ઢાઢર નદી જ બે કાંઠે હોવાના કારણે વિશ્વામિત્રી નદીના પાણીનો ઢાઢરમાં  નિકાલ થઈ રહ્યો નથી. જેના કારણે શહેરમાં વિશ્વામિત્રીના પાણીનો કહેર યથાવત્ છે. 

બીજી તરફ, મળતી વિગતો અનુસાર પહેલેથી જ પાણીમાં ગરકાવ વિસ્તારો તો બેહાલ છે જ પણ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, અટલાદરા, જુના પાદરા રોડ, જેતલપુર રોડ, વાસણા, હરીનગર-ગોત્રી જેવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. આ વિસ્તારોના લોકો કશું સમજે તે પહેલા આજે સવારથી તેમની સોસાયટીઓમાં અને ઘરોમાં પાણી પ્રવેશવા માંડ્યા હતા. અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે, વિશ્વામિત્રીના પાણી આ વિસ્તારોમાં પહેલી વખત જોવા મળ્યાં છે.

વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા સરકારે બે મંત્રીને દોડાવ્યા, સાત લાખ લોકો અંધારપટમાં 4 - image

આમ વડોદરામાં વિશ્વામિત્રીના પાણી નવા નવા વિસ્તારોને ભરડો લઈ રહ્યા હોવાથી શહેરની સ્થિતિ વધારે કફોડી બની રહી છે. આ ઉપરાંત વિશ્વામિત્રીના પાણીની સપાટી હવે ક્યારે ઘટશે તે અંગે કોઈ કશું કહી શકે તેમ નથી.

વડોદરામાં સતત ત્રીજા દિવસે પૂરની સ્થિતિ 

વડોદરાનો 50 ટકા વિસ્તાર વિશ્વામિત્રીના પૂરના પાણી હેઠળ છે ત્યારે આજવામાથી પાણી છોડવાનુ બંધ કરવામાં આવ્યું છે. જો કે ચિંતાજનક વાત એ છે કે, આખી રાત આજવાની સપાટીમાં ધીમો પણ મકક્મ વધારો થયો છે. આજવામાંથી પાણી છોડવાનું બંધ કરાયું ત્યારે આજવાની સપાટી 213.65 ફૂટ હતી. વિશ્વામિત્રીમાં અત્યારે આજવાનું પાણી આવી રહ્યું નથી પણ આખી રાત દરમિયાન આજવામાં પાણીની ધીમી આવક ચાલુ રહી હતી. જેના કારણે આજે સવારે 11 વાગ્યે આજવાની સપાટી 213.75 ફૂટ નોંધાઈ હતી.


કોર્પોરેશનના સૂત્રોનુ કહેવું છે કે, આજવાના દરવાજા 213.80 ફૂટ પર હાલમાં તો સેટ કરાયા છે અને જો નિર્ણયમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે તો 213.80 ફૂટ બાદ આજવાનું પાણી ફરી વિશ્વામિત્રીમાં ઠલવાશે. આમ બપોર બાદ ફરી એક વખત આજવાનું  પાણી શહેરમાં બે કાંઠે થયેલી વિશ્વામિત્રીમાં આવી શકે છે.

હજુ પણ 7 લાખથી વધુ લોકો અંધારપટમાં 

વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ વીજ પુરવઠાની સ્થિતિ વધારે વણસી છે. કારણકે વધુ કેટલાક વિસ્તારોમાં સુરક્ષા ખાતર મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી દીધો છે. એક અંદાજ અનુસાર અત્યારે વડોદરાના સાત લાખથી વધુ લોકો અંધારપટમાં જીવી રહ્યા છે. 

વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, વિશ્વામિત્રીના પાણી જેટકોના અટલાદરા તેમજ વિદ્યુતનગર સબ સ્ટેશનમાંથી પ્રવેશી ગયા હોવાથી આ બંને સબ સ્ટેશનો બંધ કરવા પડ્યા છે. જેના પગલે આ સબ સ્ટેશનોમાંથી 45 વીજ ફીડરો પરનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. આ કારણસર વડોદરાના જૂના પાદરા રોડ, અકોટા, જેતલપુર રોડ, ગોત્રી, અલકાપુરી, અટલાદરા, વાસણા, ગોત્રી જેવા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.

વિશ્વામિત્રીના પૂરના કારણે ગઈકાલથી કારેલીબાગ, હરણી, સમા-સાવલી રોડ, ફતેગંજ જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. આજે પણ આ વિસ્તારોમાં તો પાવર સપ્લાય શરુ થવાનો કોઈ સવાલ નથી પરંતુ નવા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાથી શહેરના કુલ 68 ફીડરો બંધ કરવા પડ્યા છે અને 370 ટ્રાન્સફોર્મરો પાણીમાં છે. આમ વડોદરામાં સાત લાખ કરતા પણ વધારે લોકો અંધારપટ હેઠળ છે અને જ્યાં સુધી પૂરના પાણી ઉતરે નહીં ત્યાં સુધી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ નથી.


એમજીવીસીએલના એમ. ડી. તેજસ પરમારે કહ્યું હતું કે ઘણાં લોકો વીજ પુરવઠો ચાલુ કરવા માટે મેસેજ કરી રહ્યા છે પણ પાણી સતત વધી રહ્યું હોવાથી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ નથી. નાગરિકોને વિનંતી છે કે, ધીરજ રાખે.જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ અમે વીજ પુરવઠો ચાલુ કરવાનો પ્રયાસ કરીશું. વ્યક્તિગત ફરિયાદોનો ઉકેલ લાવવા માટે વીજ કંપનીનો સ્ટાફ પ્રયત્ન કરી રહ્યો છે. પાણી પૂરું પાડતા બુસ્ટર સ્ટેશનોનો વીજ સપ્લાય શરુ કરવાને પ્રાથમિકતા અપાશે.

બેઝમેન્ટના 7000 મીટરો પાણીમાં

આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું છે કે વડોદરામાં સંખ્યાબંધ ઈમારતો એવી છે જેના બેઝમેન્ટમાં વીજ મીટરો આવેલા છે અને બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે આ મીટરો પણ અત્યારે પાણીમાં છે. જેના કારણે  આ ઈમારતોમાં પણ વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેવી સ્થિતિ નથી.


Google NewsGoogle News