આતંકીઓએ નર્ક બનાવેલું 'ધરતીનું સ્વર્ગ' છોડવા ધસારો, ફ્લાઈટ્સ પેક
ગુજરાતીઓ મુઘલરોડ પર હજારો ખર્ચીને 12- 15 કલાકે જમ્મુ-કટરા પહોંચ્યા : અનેક ગુજરાતીઓ શ્રીનગરથી જ પરત ફર્યા : કથામાં ફરવા જવાનું છોડી ઘરે ચાલ્યા જવા સૂચના અપાઈ : કાશ્મીર પ્રવાસના બૂકિંગ રદ કરવા તજવીજ
રાજકોટ, : દેશમાં જેને કવિઓ 'ધરતી ઉપરનું સ્વર્ગ' કાશ્મીરમાં પ્રવાસીઓના માનીતા સ્થળ પહલગામ પાસેની બૈસરન ખીણ કે જેને મીની સ્વીટ્ઝરલેન્ડ કહે છે ત્યાં ગઈકાલે બપોરના સમયે લોકો વરસાદના વિરામ પછી રમણીય બનેલા સ્થળે નાસ્તા-ભોજન અને ફરવાની મોજ માણતા હતા ત્યારે ચાર-છ આતંકવાદીઓએ જંગલની ઝાડીઓમાંથી ધસી આવીને ૨૮ને તેમનો ધર્મ પુછીને બેરહમીથી મોતને ઘાટ ઉતારીને ૨૦ જેટલા પ્રવાસીઓને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ કાયરતાપૂર્ણ કૃત્ય બાદ આજે આ ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ માટે નર્ક સમાન બની ગયું હતું અને સ્થળને છોડીને કાશ્મીરની બહાર નીકળી જવા ભારે ધસારો થયાનું અને રસ્તો બંધ હોવાથી ૧૦-૧૨ કલાકનું વધુ ટ્રાવેલીંગ કરવું પડયાનું રાજકોટના સહેલાણીઓએ જણાવ્યું હતું.
'અમે શ્રીનગરથી પહલગામ જવાનું વિચારતા હતા ત્યાં આ હુમલાના સમાચાર મળ્યા અને અમારા પરિવાર સહિત અસંખ્ય લોકો જલ્દી શ્રીનગરથી કટરા,જમ્મુ જવા ઉપડી ગયા હતા, પરંતુ, કટરાનો રસ્તો બ્લોક હતો અને અમારે જર્જરિત અને જોખમી એવા મુઘલ રોડ પરથી ફરજીયાત જવું પડયું જ્યાંથી જમ્મુ પહોંચતા અમને ૩૪૫ કિ.મી.નું અંતર કાપતા ૧૫ કલાકનો સમય લાગ્યો અને ટેક્સ ચાલકને રૂ।.૧૦ હજાર ચૂકવવા પડયા હતા' તેમ રાજકોટ પરત આવી રહેલા હિતેષભાઈ કટીરાએ જણાવ્યુ ંહતું. રાજકોટના જગદીપ પારેખ સહિત પરિવારના ચાર લોકો અમદાવાદથી પેકેજ ટૂરમાં ગયા હતા,તેમણે કહ્યું,આતંકવાદી હુમલાની જાણ થતા જ અમે હોટલમાં પૂરાઈ ગયા હતા અને બાદમાં ટૂંકો રસ્તો બંધ હોય કટરા જવા માટે ૧૨-૧૩ કલાકનું અંતર કાપીને પહોંચ્યા હતા.
એક પ્રવાસીએ કહ્યું કે અમે ત્યાંની રિક્ષામાં બેઠા હતા તેમાં સ્થાનિક ચાલક તેની ભાષામાં અમારા લોકેશન વિશે સતત વાત કરતા પણ અમને ભયની લાગણી થઈ હતી. કાશ્મીરમાં પ્રવાસીઓની ઝીણવટભરી વિગતો ત્યાંના અનેક લોકો રાખતા હોય છે.
કાશ્મીર ગયેલા લોકોએ જણાવ્યું કે મોટાભાગના લોકો ઉનાળામાં કાશ્મીર પ્રવાસ પસંદ કરતા હોય છે, શ્રી નગરથી બધા સ્થળોએ ફરવા જવાતું હોય છે જેમાં પહલગામ હોટફેવરીટ સ્થળ હોય છે,ગઈકાલે અત્યંત ક્રૂરતાપૂર્વક આતંકવાદી હુમલા બાદ ત્યાં ગયેલા તમામે કાશ્મીર છોડવા ભારે ધસારો કર્યો હતો. અમદાવાદ-શ્રીનગરની બધી ફ્લાઈટ આજે અને આવતીકાલે પેક થઈ ગઈ હતી અને ટિકીટના ભાવ પણ ડબલથી વધી ગયા હતા.
સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો મોરારીબાપુની કથામાં ગયા હતા અને આતંકવાદી હુમલા પછી કથામાં પણ દરેકને ઘરે નીકળી જવા સૂચના અપાઈ હતી. વેકેશનની શરૂઆત થઈ રહી છે ત્યારે ઘણા લોકોએ કાશ્મીર પ્રવાસના એડવાન્સ બૂકીંગ કરાવ્યા છે જેમાં ઘણા તે રદ કરાવવા તજવીજ કરી રહ્યાનું તો બૂકીંગનું વિચારતા લોકો હવે ડેસ્ટીનેશન બદલી રહ્યા છે.લોકોએ દુઃખ સાથે જણાવ્યું કે કાશ્મીરીઓની સૌથી મોટી આવક ગુજરાત સહિત રાજ્યોના સહેલાણીઆના પ્રવાસનથી જ થતી હોય છે.