ક્રિકેટ મેચના ઝઘડામાં મહાવ્યથા પહોંચાડનાર ત્રણ આરોપીેને પાંચ વર્ષની સખ્તકેદ
નજીવી બાબતે બે પર પાઈપ વડે જીવલેણ હુમલો કરી ફ્રેકચર કરી નાંખ્યું હતું ઃ સજામાં પ્રોબેશનની માંગને કોર્ટે નકારી કાઢી
સુરત
નજીવી બાબતે બે પર પાઈપ વડે જીવલેણ હુમલો કરી ફ્રેકચર કરી નાંખ્યું હતું ઃ સજામાં પ્રોબેશનની માંગને કોર્ટે નકારી કાઢી
પાંચેક વર્ષ પહેલાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવત માં ફરિયાદી તથા તેના મિત્ર પર પાઈપ વડે જીવલેણ હુમલો કરીને ફ્રેકચર કરી મહાવ્યથા પહોંચાડવાના કારસામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ઉમેશચંદ્ર એસ.પરમારે ઈપીકો-324,325માં દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્તકેદ,રૃ.1500 દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આભવા ગામના લાયાફળીયામાં રહેતા ફરિયાદી ચિરાગ અમરત પટેલને આરોપી ફુલજી મેઘાભાઈ રબારી(રે.હળપતિવાસ,પીપલોદ) સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ રમવા અંગે બોલાચાલી થઈ હતી.જેની અદાવત રાખીને ગઈ તા.6-1-2017ના રોજ આરોપી ફુલજી રબારી,વિકાસ ઉર્ફે વિક્કી ભરત બારોટ(રે.એસએમસી ક્વાટર્સ, પીપલોદ) પ્રદિપ ઉર્ફે સેન્ડી ભોલાનાથ શુક્લાએ એકબીજાના મેળા પિપણામાં સેન્ટ્રલ મોલ સર્વિસ રોડ પર ઉભેલા ફરિયાદી તથા તેના મિત્ર રોશન રામુ પટેલ પર પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.આરોપીઓએ ફરિયાદી ચિરાગ પટેલ તથા તેના મિત્ર રોશનના હાથ-પગના નળા પર પાઈપ વડે હુમલો કરીને ફ્રેકચર કરીને મહાવ્યથા પહોંચાડી હતી.
જે અંગે ફરિયાદીએ ત્રણેય આરોપીઓ વિરુધ્ધ ઉમરા પોલીસમાં ઈપીકો-323,325,326,114 તથા જીપીએકટ-135ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.આ ગુનામાં ઉમરા પોલીસે જેલભેગા કરેલા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુધ્ધનો કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી એમ.જી.વોરા તથા વીથ પ્રોસિક્યુશન ધર્મેન્દ્ર માટલીવાલાએ કુલ ૫ સાક્ષી તથા 6 દસ્તાવેજી પુરાવા રજુ કરી આરોપીઓ વિરુધ્ધનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો.જેથી કોર્ટે આરોપીઓને ઈપીકો-324 તથા 325 ના ભંગ બદલ દોષી ઠેરવતો હુકમ કર્યો હતો.જેથી આરોપીઓના બચાવપક્ષે આરોપીઓ કુટુંબના કમાનાર વ્યક્તિ હોઈ મહત્તમ સજા કરવામાં આવે તો કુટુંબને ભુખે મરવાનો વારો આવે તેમ હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓએ નજીવી તકરારમાં ફરિયાદી તથા તેના મિત્ર પર લોખંડની પાઈપ વડે હુમલો કરી વ્યથા તથા મહાવ્યથા પહોંચાડી છે.આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવે તો આવા હિંસક મનોવૃત્તિવાળા અસામાજિક તત્વોને સમાજમાં પ્રોત્સાહન મળે તેમ હોઈ સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા માંગ કરી હતી.