13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે શારીરિક અડપલાં કરનારને પાંચ વર્ષની સખ્તકેદ
પરિણીત યુવાને પેસેજની લોબીમાં બળજબરીથી લઈ જઈને શારીરિક હુમલો કર્યો ઃ સીસીટીવી ફુટેજ તથા સાક્ષી પુરાવા મળતા સજાનો હુકમ
સુરત
પરિણીત યુવાને પેસેજની લોબીમાં બળજબરીથી લઈ જઈને શારીરિક હુમલો કર્યો ઃ સીસીટીવી ફુટેજ તથા સાક્ષી પુરાવા મળતા સજાનો હુકમ
અઠવા પોલીસની હકુમતમાં રહેતી 13 વર્ષની દિવ્યાંગ બાળકી પર શારીરિક હુમલો કરનાર 28 વર્ષના પરણીત આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ દોષી ઠેરવી આરોપીને પોક્સો એક્ટની કલમ-7 સાથે વાંચતા 8 હેઠળ દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્તકેદ,5 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદ તથા ભોગ બનનાર 1 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
મૂળ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વતની તથા અઠવા પોલીસ મથકની હદ વિસ્તારમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય પરણીત આરોપી વિરલ રજનીકાંત શાહે ગઈ તા. 8-10-22ના રોજ ઘર પાસે રમતી ફરિયાદી પિતાની 13 વર્ષની દિવ્યાંગ બાળકીને એપાર્ટમેન્ટની લોબીમાં પેસેજમાં લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર તરૃણી સગીર તથા દિવ્યાંગ હોવાનું જાણવા છતાં બળજબરીથી તેના છાતીના તથા ગુપ્તાંગ સાથે અડપલાં કરીને જાતીય હુમલો કર્યો હતો.
જે અંગે ફરિયાદીના પિતાને નજરે જોનાર સાક્ષીએ જણાવતા આરોપી વિરલ શાહ વિરુધ્ધ અઠવા પોલીસમાં પોક્સો એક્ટની કલમ-8,12 તથા ઈપીકો-354(1) ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપી વિરુધ્ધનો કેસ આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ બનાવ સંદર્ભે રજુ કરેલા ઈલેકટ્રોનિક્સ એવીડન્સ સીસીટીવી ફુટેજ તથા ભોગ બનનાર તથા નજરે જોનાર સાક્ષી,તબીબી સાક્ષીઓની જુબાની રજૂ કરાઇ હતી.
જેથી કોર્ટે આરોપીને ઈપીકો-354(1) તથા પોક્સો એક્ટની કલમ-7 તથા સાથે વાંચતા 8 ના ગુનામાં દોષી ઠેરવ્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનાર 13 વર્ષની તથા આરોપી 28 વર્ષનો પરણીત હોવાનું સાબિત થયું છે.તરૃણી સ્પેશ્યલ ચાઈલ્ડ હોવાનું કોર્ટ સમક્ષ પુરવાર થયું છે.આરોપીએ લાચાર બાળકીને છાતી તથા ગુપ્તાંગ સાથે ચેડા કરીને ગંભીર ગુનો આચર્યો હોઈ હળવાશથી લઈ શકાય નહીં.આરોપીએ રહીશોના વિશ્વાસનો દુરુપયોગ કરીને માનસિક વિકૃત્તિ દર્શાવી હોઈ આવા આરોપીને ખુલ્લામાં રાખવાથી સમાજની અન્ય બાળકીઓની સલામતી અને સુરક્ષા સામે સવાલ ઉભા થાય તેમ છે.