નડિયાદમાં 5 કરોડ પાણીમાં: પાંચ વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર પોણા બે વર્ષમાં રસ્તો તૂટી ગયો!

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
નડિયાદમાં 5 કરોડ પાણીમાં: પાંચ વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર પોણા બે વર્ષમાં રસ્તો તૂટી ગયો! 1 - image


Road guarantee : નડિયાદમાં હેલીપેડથી ગણપતિ મંદિર સુધીના રિંગરોડ ઉપર રિસર્ફેસિંગની કામગીરી માટે સપ્ટેમ્બર 2022માં ભારત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદની અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને 4.2કિલોમીટરના રસ્તાની કામગીરી સોંપી રૂ. પાંચ કરોડ ફાળવ્યા હતા. ત્યારે આ રસ્તાને પાંચ વર્ષ સુધી કંઈ થશે નહીં તેવા એજન્સીના કોન્ટ્રાક્ટર આનંદ પટેલ દ્વારા દાવા કરવામાં આવ્યા હતા. 

નવેમ્બર 2022માં રસ્તાના રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારે પોણા બે વર્ષમાં જ હેલીપેડ પાસેનો 500 મીટરનો રોડ બિસ્માર બની ગયો છે. તેમજ 4.2 કિ.મી.ના રસ્તા ઉપર 10થી વધુ ખાડાઓ પડી ગયા છે. જેને લઈ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.  

ધારાસભ્ય અને સાંસદ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક વોર થઈ હતી

નડિયાદ ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈએ તા. 4 સપ્ટેમ્બર 2022ના રોજ રિંગરોડનું કામ શરુ થતાં સ્થળ પર પહોંચી ફોટોસેશન કરાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. જેમાં તત્કાલીન કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણના નામનો ઉલ્લેખ કર્યો નહતો. પોસ્ટ મૂક્યાના દોઢ કલાક બાદ દેવુસિંહ ચૌહાણે પોતાના ઓફિશ્યલ એકાઉન્ટમાંથી પંકજ દેસાઈની પોસ્ટમાં કોમેન્ટ કરી પોતાનું નામ ન લખ્યું હોવા અંગે કડક શબ્દોમાં ધારાસભ્યને ટકોર કરી હતી. બન્ને વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપી બાદ ભાજપના નેતા રાજન દેસાઈએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મૂકી તેમાંથી ધારાસભ્યના નામનો ઉલ્લેખ ટાળી માત્ર સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો. 

હવે માત્ર પોણા બે વર્ષમાં પડી ગયેલા ગાબડાની જવાબદારી કોણ લેશે?  

રસ્તાના રિસર્ફેસિંગની કામગીરી શરુ કરવામાં આવી ત્યારે ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્થળ પર પહોંચી ફોટોશૂટ કરાવી ફેસબૂક ઉપર પોસ્ટ કરી જશ મેળવવા પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ભારત સરકારના વિભાગમાંથી રસ્તાનું કામ તાત્કાલિક મંજૂર કરાવી આપ્યું હોવાની કોમેન્ટ કરી સાંસદ દેવુસિંહ ચૌહાણે પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે માત્ર પોણા બે વર્ષમાં રસ્તો ખખડધજ બની જતાં તેના સમારકામ માટે એજન્સીને ટકોર કરવા તેમજ નબળી ગુણવત્તા અંગે કાર્યવાહી કરવામાં ભાજપના સાંસદ કે ધારાસભ્યને કોઈ રસ ના હોવાના આક્ષેપો શહેરીજનોએ લગાવ્યા છે. ત્યારે પ્રસિદ્ધિ મેળવી લીધા બાદ જનતાના હિત માટે રસ્તાનું સત્વરે સમારકામ કરાવવામાં સાંસદ કે ધારાસભ્યમાંથી કોણ આગળ આવે છે તે જોવું રહ્યું તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. 

એજન્સીને નોટિસ ફટકારી છે 

નડિયાદ રિંગરોડ પર રૂ. પાંચ કરોડના ખર્ચે રિસર્ફેસિંગની કામગીરી કરનારી અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીના કોન્ટ્રાક્ટરને વીસ દિવસ પહેલાં જ નોટિસ ફટકારવામાં આવી છે. રોડ ડીફેક્ટ લાયાબિલીટી પીરિયડમાં હોવાથી તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની જ હોય છે અને કોન્ટ્રાક્ટરે જ તેમના ખર્ચે અને જોખમે રોડની મરામત કરાવવાની રહેશે. - રાજેશ પટેલ, ડેપ્યુટી એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગ (કેન્દ્ર)

મુખ્યમંત્રીને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરાશે ?

હેલીપેડની નજીક આવેલો આ રસ્તો બિસ્માર બન્યો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે મુખ્યમંત્રી નડિયાદ ખાતે આવનાર છે. ત્યારે તે પહેલાં આ રસ્તાનું પુનઃ સમારકામ કરવામાં આવશે કે પછી મુખ્યમંત્રીને આ રોડ પરથી લઈ જઈ વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરવામાં આવશે? કે શહેરમાંથી થઈ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવશે તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. 



Google NewsGoogle News