નડિયાદથી દેશી દારૂની હેરાફેરી કરતી પાંચ મહિલા ઝડપાઈ
- 60 હજારનો દારૂનો જથ્થો જપ્ત
- અમદાવાદની બે મહિલાઓને દારૂ પહોંચાડવા જઈ રહી હતી : સાત મહિલાઓ સામે ગુનો
નડિયાદ : નડિયાદથી ૩૦૦ લિટર દેશી દારૂની અમદાવાદ હેરાફેરી કરતી ખાડ વિસ્તારની પાંચ મહિલાઓને ટાઉન પોલીસે એક્સપ્રેસ-વે પાસેથી ઝડપી પાડી હતી. પોલીસે રૂ.૬૦ હજારનો દારૂ જપ્ત કરી દારૂ મંગાવનારી અમદાવાદની બે અજાણી મહિલા સહિત સાત મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદના ખાડ વિસ્તારમાં રહેતી પાંચ મહિલાઓ શુક્રવારે મોડી રાત્રે દેશી દારૂ લઈને અમદાવાદ જવા નીકળી હોવાની બાતમી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ નડિયાદ હેલીપેટ પાસે આવેલા એક્સપ્રેસ-વેથી અમદાવાદ જવાના ટોલબૂથ પાસે પહોંચી હતી.
જ્યાં મીણિયાની થેલી સાથે ઉભેલી શારદાબેન રાજુભાઈ તળપદા, લક્ષ્મીબેન મહેન્દ્રભાઈ તળપદા, ગીતાબેન અર્જુનભાઈ તળપદા, મીનાબેન ધર્મેન્દ્રભાઈ તળપદા અને તેજલબેન ચંદુભાઈ તળપદા (તમામ રહે. ખાડ, નડિયાદ)ને અટકાવી હતી. મીણિયાની થેલીની તલાશી લેતા ૩૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.
પાંચેય મહિલાઓ અમદાવાદની બે મહિલાઓને દારૂ પહોંચાડવા જતી હોવાની કબૂલાત કરતા પોલીસે રૂ.૬૦ હજારનો દેશી દારૂનો જથ્થો જપ્ત કરી બે અજાણી મહિલાઓ સહિત સાત મહિલાઓ સામે ગુનો નોંધ્યો હતો.
નોંધનીય છે કે, નડિયાદના ખાડ વિસ્તારમાં અનેક મહિલાઓએ દેશી દારૂને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવ્યો હોવાની ફરિયાદો ઉઠે છે. તેમ છતાં જિલ્લા પોલીસના નાક નીચે ધમધમી રહેલા વ્યવસાય સામે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ લાગ્યા છે.