લેઉવા પાટીદાર સમાજના વૃધ્ધાના અંગદાનથી પાંચને નવજીવન મળ્યું
- મૂળ ખેડાના ભારતીબેન પટેલને મગજની નસમાં ફુગ્ગો હોવાનું નિદાન થયા બાદ તે દુર કર્યો પણ બ્રેઇનડેડ જાહેર થયા હતા
સુરત :
ખેડા જીલ્લામાં રહેતા લેઉવા પાટીદાર સમાજના વૃધ્ધા બ્રેઇન ડેડ થયા બાદ કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપીને માનવતાની મહેક ફેલાવી છે.
ખેડા જીલ્લામાં ઠાસરા તાલુકામાં કાલસરગામમાં સંતારામ મંદિરપાસે રહેતા ૬૦ વર્ષીય ભારતીબેન કનુભાઇ પટેલને વારંવાર ચક્કર આવતા તેમની દિકરી મયુરી બોરસદની ખાનગી હોસ્પીટલમાં લઈ ગઈ હતી. ત્યાં એમ.આર.આઇ કરાવતા નાના મગજની નસમા ફુગ્ગો હોવાનું નિદાન થયુ હતુ. તેથી તેના પરિવારજનોએ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ગત તા. ૫મીએ ખસેડાયા હતા. જયાં ગત તા. ૬થીએ ડોકટરે સર્જરી કરી મગજની નસમાં જે ફુગ્ગો થયો હતો તે દુર કર્યો હતો. બાદમાં ગત તા. ૮ મીએ ડોકટરોની ટીમે ભારતીબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચીને તેમના પરિવારજનોનેે અંગદાનનું મહત્વ સમજાવતા પરિવાર અંગદાન માટે સંમત થયો હતો.દાનમાં મળેલી એક કિડની સુરતમાં રહેતો ૨૨ વર્ષીય યુવાનમાં, બીજી કિડની બીલીમોરાના રહેતા ૫૩ વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ભરૃચના રહેતા ૬૧ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. દાનમાં મળેલા ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૃરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે. ભારતીબેનની પુત્રી મયુરી સાગર પટેલ અને તેમના જમાઇ સાગર ઉમરેઠમાં કરીયાણાની દુકાન ધરાવે છે.