વડોદરા કોર્પોરેશનના પાંચ અધિકારીએ પોતાની ગાડીઓ પરથી સાયરન હટાવ્યા
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા હોદ્દેદારો અને અધિકારીઓ પોતાની ગાડીઓ પર સાયરનો રાખી શકે નહીં, અને આ મુદ્દે સાયરનો કાઢી નાખવા ગઈકાલે પોલીસ કંટ્રોલમાં વર્ધી નોંધાવ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું .જેના અનુસંધાનમાં કોર્પોરેશનમાંથી પાંચ અધિકારીઓએ પોતાની ગાડી પરથી સાયરન કાઢી નાખ્યા છે. ગઈકાલે જ કોર્પોરેશનના ચાર અધિકારીએ અને આજે સભા સેક્રેટરીએ પોતાની ગાડી પરથી આ સાયરન હટાવ્યા હતા.
ગઈકાલે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા સરકારના પરિપત્ર મુજબ ગાડીઓ પરથી સાયરન હટાવી લેવા પોલીસને રજૂઆત કરી હતી. આ સમિતિનું કહેવું છે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકને પોતાના હોદ્દા મુજબ ગાડીઓ આપવામાં આવે છે. જેના પર જે સાયરન મુકાય છે, તે ગેરકાયદે હોય છે. સરકારે વર્ષ 2013 માં આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડેલો હતો. અધિકારીઓએ ગાડીઓ પરથી સાયરન હટાવી લીધા છે, પરંતુ હવે ચૂંટાયેલા હોદ્દેદારોની ગાડીઓ પરથી સાયરનો હટાવવા મુદ્દે બીજી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું પરિસ્થિતિ છે અને 2013 ના પરિપત્ર બાદ તેમાં બીજો કોઈ સુધારો છે કે કેમ તે અંગે સમીક્ષા કરીને નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યું છે.