માંજલપુરમાં કેબલિંગ દરમિયાન ગેસલાઇન તૂટતાં ભીષણ આગઃ5 દુકાન,મકાન અને 6 ટુવ્હીલર ખાક
વડોદરાઃ માંજલપુરના અમરજ્યોત કોમ્પ્લેક્સ પાસે આજે બપોરે ગેસ લીકેજ બાદ આગ લાગતાં પાંચ દુકાનો અને ઉપરના મકાન લપેટમાં આવી ગયા હતા.બનાવમાં એક મહિલા સહિત ચાર જણા દાઝતાં તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
માંજલપુર શ્રેયસ સ્કૂલ થી મકરપુરા જવાના માર્ગે સ્પંદન સર્કલ નજીક આવેલા કોમ્પ્લેક્સની પાસે બપોરે કેબલિંગનું કામ ચાલી રહ્યંુ હતું તે દરમિયાન ગેસ લાઇન તૂટતાં બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
આગ એટલી ભીષણ હતી કે રાજેશ્વર જ્યુસ,લુસેન્ટ ઇલેકટ્રિકલ સાધનોની દુકાન,ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર અને રોધી કલેક્શન નામની ગારમેન્ટની દુકાનો આગની લપેટમાં આવી ગઇ હતી.દુકાનોની ઉપર બે ફ્લોરમાં સામાન સ્ટોર કરવામાં આવ્યો હોવાથી આગ ત્યાં પણ ફેલાઇ હતી.આ ઉપરાંત પાંચ થી છ જેટલા ટુવ્હીલર પણ લપેટાયા હતા.
આ પૈકી એક ફ્લેટમાં એક વ્યક્તિ રહેતી હોવાથી તે બહાર નીકળી જતાં બચાવ થયો હતો.જ્યારે,સચિનભાઇ યાદવ,સોનલબેન પંચાલ, પંકજભાઇ પરમાર અને હરિરામભાઇ ચૌધરી દાઝતાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડની ત્રણ ટીમોએ બે કલાકે આગ કાબૂમાં લીધી હતી.
ફાયર બ્રિગેડ સામે લોકોનો રોષ ફૂટયો,એક કલાકે આવી હોવાના આક્ષેપ
આગના બનાવમાં વડોદરા ફાયર બ્રિગેડ સામે પહેલીવાર લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
માંજલપુરમાં લાગેલી આગનું તાંડવ જોઇ લોકો ગભરાઇ ગયા હતા અને નાસભાગ મચી હતી.આગે એક પછી એક દુકાનો તેમજ તેની ઉપરના સ્ટોર રૃમોને લપેટમાં લેવા માંડયા હતા.
લોકોએ કહ્યું હતું કે,અમે ફાયર બ્રિગેડને સતત કોલ કરતા હતા પણ ફોન લાગતો જ નહતો.ફાયર બ્રિગેડ કરતાં પહેલાં પોલીસ આવી ગઇ હતી અને તેમણે પણ કોલ કર્યા હતા.આમ,નવા ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલે ચાર્જ લીધા બાદ પહેલીવાર ફાયર બ્રિગેડ સામે ગુસ્સો જોવા મળ્યો હતો.
કોર્પોરેશનના વિભાગો વચ્ચે સંકલનના અભાવે લાઇનો ખોદાઇ જાય છે
કોર્પોરેશનના જુદાજુદા વિભાગો વચ્ચે સંકલન નહિ હોવાને કારણે શહેરમાં અનેક સ્થળોએ ખોદકામ દરમિયાન ગેસલાઇન, પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનો તૂટવાના બનાવો બનતા હોય છે.ભૂતકાળમાં વિવિધ વિભાગો વચ્ચે કોઇ પણ સ્થળે ખોદકામ કરવું હોય તો એક બીજા વિભાગો સાથે સંકલન કરવા માટે સોશ્યલ મીડિયા પર ગુ્રપ પણ બનાવવામાં આવ્યું હતું.પરંતુ ત્યારપછી પણ કોઇ સંકલન જળવાતું નથી અને તેને કારણે આજે માંજલપુરમાં આગનો બનાવ બન્યો હતો.