મારવાડી લોહાણા ઠક્કર પરિવારની મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું
- બનાસકાંઠાના ડીસામાં રહેતા ઉષાબેન ભીલડી સુરતમાં રહેતા સી.એ પુત્રને ત્યાં આવ્યા હતા, ખેંચ આવ્યા બાદ બ્રેઇનડેડ જાહેર થયા હતા
સુરત, :
બનાસકાંઠા રહેતા મારવાડી લોહાણા ઠક્કર પરિવારના મહિલા બ્રેઈનડેડ થયા બાદ કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકામાં ભીલડીમાં ધરણીધર બંગલોમાં રહેતા ૫૩ વર્ષીય ઉષાબેન રમેશભાઇ ભીલડી સુરતમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેકટીસ કરતા તેમના પુત્ર મુકેશને ત્યાં છેલ્લા એક માસથી રહેવા આવ્યા હતા. ગત તા.૧૧મી વહેલી સવારે ઉષાબેને ખેંચ આવતા પરિવાર સારવાર માટે અડાજણની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં તેમનું સીટી સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું.
જયારે ગત તા.૧૬મીએ ન્યુરોસર્જન સહિતના ડોક્ટરની ટીમે ઉષાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ અંગે ડોનેટ લાઈફની ટીમે જાણ થતા હોસ્પિટલ પહોંચી ઉષાબેનના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવાતા સંમતિ આપી હતી. જયારે તેમની ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકએ સ્વીકાર્યું હતું. જયારે દાનમાં મળેલુ લિવર જુનાગઢ રહેતા ૪૦ વર્ષીય વ્યકિતમાં કતારગામની હોસ્પિટલમાં તથા કિડનીઓનું બે જરૃરિયાતમંદ દર્દીમાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જયારે ઉષાબેનના પતિ કાપડની દુકા ધરાવે છે. જયારે તેમનો પુત્ર મુકેશ સુરતમાં ચાર્ટડ અકાઉન્ટન્ટ પ્રેકટીસ કરે છે અને પુત્રવધુ રીના છે. પરિવારમાં તેમની પુત્રી નીતા, મિતલ અને મનીષા છે.