બોરસદના પાંચ વ્યક્તિઓ સાથે યુકેમાં નોકરીની લાલચે 4.60 લાખની ઠગાઈ
ટિકિટ, વિઝાના ખર્ચના નામે નાણાં પડાવ્યા
નોકરીની લાલચ આપનારો અમદાવાદનો શખ્સ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસના હાથે ઝડપાતા ભાંડો ફૂટયો
બોરસદમાં રહેતા અંકુર ન્યુટનભાઈ સંગાડાએ તા.૩ નવેમ્બર ૨૦૨૩ના રોજ વિદેશ મોકલવાની જાહેરાત જોઈ તેમાં દર્શાવેલા નંબર ઉપર સંપર્ક કર્યો હતો. ત્યારે સામે બોલનારા વ્યક્તિએ પોતાની ઓળખ અમદાવાદના ચિંતન પ્રભુદાસભાઈ પટેલ તરીકે આપીને પોતે ગુ્રપમાં યુકે મોકલાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેમજ ચારથી પાંચ વ્યક્તિઓ હોય તો ૩ વર્ષના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી, જવા-આવવાની ટિકિટનો ખર્ચ અને રહેવા, જમવાનું કંપની તરફથી મળશે તથા એકથી બે લાખ રૂપિયા પગાર મળશે તેમ જણાવ્યું હતું. જેથી અંકુરે સમાજના અન્ય લોકોને વાત કરતા ચાર વ્યક્તિઓ યુકે જવા માટે તૈયાર થયા હતા. અંકુરે ચિંતનનો સંપર્ક કરતા તે તરૂણભાઈ પટેલ સાથે બોરસદ આવ્યો હતો અને વિદેશ જવા ઈચ્છુક પાંચેય વ્યક્તિઓ સાથે વાત કરી યુકે જવાનું નક્કી કર્યું હતું. શખ્સે પ્રોસેસ ફી પેટે રૂ.૩૦ હજારની માંગણી કરતા તેમણે રોકડ અને ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. ડિસેમ્બર માસમાં બંને શખ્સો પાસપોર્ટમાં સ્ટેમ્પિંગ કરાવવાનું હોવાનું જણાવી તમામના પાસપોર્ટ લઈ ગયા હતા.
થોડા દિવસ બાદ વિઝાની પ્રોસેસ થઈ ગઈ છે અને ટિકિટના ભાવ વધી ગયા હોવાથી વ્યક્તિદીઠ રૂ.૮,૪૦૦ વધારાના ચૂકવવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી પાંચેય વ્યક્તિઓએ કુલ રૂ.૪.૬૦ લાખ ચૂકવ્યા હતા. જોકે, ઘણો સમય વિતી જવા છતાં કોઈ પ્રોસેસ થઈ ન હોવાથી બંનેનો સંપર્ક કરતા તે બહાના બતાવતા હતા. દરમિયાન ચિંતન પટેલ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસના હાથે ઝડપાયો હોવાનું જાણવા મળતા પોતાની સાથે પણ ઠગાઈ થઈ હોવાનું જણાયું હતું. આ અંગે અંકુર સંગાડાની ફરિયાદના આધારે બોરસદ શહેર પોલીસે ચિંતન પટેલ અને તરૂણ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.