Get The App

વઢવાણ જીઆઈડીસીમાં ચકડોળના કારખાનામાં દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સો ઝડપાયો

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
વઢવાણ જીઆઈડીસીમાં ચકડોળના કારખાનામાં દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સો ઝડપાયો 1 - image


- થર્ટી ફર્સ્ટ પહેલા જ ઝાલાવાડમાં દારૂની મહેફીલો શરૂ

- ઝડપાયેલ શખ્સો પૈકી ત્રણ અમદાવાદના અને એક મહારાષ્ટ્રનો હોવાનું ખૂલ્યું ઃ પોલીસે મુદ્દામાલમાં વાહનો, મોબાઈલ નહીં દર્શાવાતા કામગીરી સામે સવાલો

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ૩૧ ડિસેમ્બરની ઉજવણી પાછળ યુવાધન ઘેલું બન્યું છે. અલગ-અલગ પ્રકારે પાર્ટી ગોઠવી ઉજવણી કરે છે. ત્યારે વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાંથી દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સોને બી-ડિવીઝન પોલીસે ઝડપી પાડયા હતા અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ચકડોળ બનાવવાના કારખાનામાં અમુક શખ્સો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમીના આધારે બી-ડિવીઝન પોલીસે કારખાનામાં ટીમ સાથે રેઈડ કરી હતી જેમાં પાંચ શખ્સો ઈંગ્લીશ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગયા હતા અને ઈંગ્લીશ દારૂની સીલ તુટેલ બોટલ, પ્લાસ્ટીકના પાંચ ગ્લાસ, સીંગદાળીયાની બે કોથળી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ રેઈડમાં ઝડપાયેલ એક જ શખ્સ વઢવાણનો રહેવાસી હતો જ્યારે અન્ય ચાર શખ્સોમાં ત્રણ અમદાવાદના અને એક શખ્સ મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું હતું. આથી આ ચાર શખ્સો સુરેન્દ્રનગર સ્પેશ્યલ દારૂની મહેફીલ માણવા જ આવ્યા હતા કે કેમ ? કોણે અને શા માટે બોલાવ્યા સહિતના સવાલોએ જોર પકડયું છે.

બી-ડિવીઝન પોલીસે ચકડોળના કારખાનામાં દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા પરંતુ સ્થળ પરથી ઈંગ્લીશ દારૂ જ કબ્જે કરવામાં આવ્યો હતો જ્યારે ફરિયાદમાં કોઈ વાહનો કે અન્ય કોઈ મુદ્દામાલ દર્શાવવામાં ન આવતાં સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

દારૂની મહેફીલ માણતા ઝડપાયેલ પાંચ શખ્સો

(૧) ભીખાલાલ રૂગનાથભાઈ મકવાણા રહે.દાજીપરા વઢવાણ (૨) પ્રમોદભાઈ અરવિંદભાઈ દાવડા, રહે.વેજલપુર અમદાવાદ (૩) સુમીતભાઈ ભુપેન્દ્રભાઈ મીસ્ત્રી, રહે.જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે, અમદાવાદ (૪) ભરતભાઈ અરવિંદભાઈ દાવડા, રહે.વેજલપુર અમદાવાદ અને (૫) સુભાષભાઈ ગંગારામભાઈ સીંધે, રહે.મોરાલી સોલાપુર મહારાષ્ટ્રવાળાને ઝડપી લીધા હતા.


Google NewsGoogle News