ચોટીલાના સુરેઈ ગામમાં પાંચ વ્યક્તિ પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો
- મારી નાખવાની ધમકી આપતા છ શખ્સ સામે ફરિયાદ
- અગાઉ પતિ-પત્નીના ઝઘડામાં ફરિયાદી સમજાવવા જતા તેનું મનદુઃખ રાખી મારમાર્યો
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના સુરેઈ ગામે પતિ-પત્નીના ઝઘડામા સમજાવવા ગયા હોવાનું મનદુઃખ રાખી છ શખ્સોએ ત્રણ શખ્સોને લોખંડના પાઈપ, લાકડાના ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી અને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનારે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સુરેઈ ગામે રહેતા દિપકભાઈ બચુભાઈ પરમાર સાંજના સમયે વાડીએ પશુઓ ચરાવી રહ્યાં હતા ત્યારે માનસીંગભાઈ દોડીને દિપકભાઈના ભત્રીજા પ્રવિણભાઈ તરફ ગાળો બોલતા બોલતા જઈ રહ્યાં હતા અને તેમની પાછળ અન્ય ચારથી પાંચ શખ્સો પણ બાઈક લઈને જતા નજરે પડયા હતા. દિપકભાઈ ગાળો બોલવાની ના પાડતા એકસંપ થઈ દિપકભાઈને ઢીકા-પાટુનો માર મારી ફરિયાદીના ભાઈ ચંદુભાઈ, ભત્રીજો પ્રવિણભાઈ, ઉમેશભાઈ વનરાજભાઈ તેમજ ભત્રીજા રવિરાજ વચ્ચે પડતા તેમને પણ લોખંડના પાઈપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત દિપકભાઈ સહિતનાઓને સારવાર અર્થે હાસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ ચોટીલા પોલીસ મથકે માનસીંગભાઈ મનજીભાઈ કણસાગરા, રાજુભાઈ સોમાભાઈ નાંદોળીયા, વિજયભાઈ વરસીંગભાઈ નાંદોળીયા, લાલજીભાઈ રમેશભાઈ કણસાગરા, ઉમેશભાઈ છનાભાઈ નાંદોળીયા અને વનરાજભાઈ વિનાભાઈ નાંદોળીયા (તમામ રહે.સુરેઈ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અંદાજે દસ દિવસ પહેલા ફરિયાદી દિપકભાઈના ભાઈ ચંદુભાઈના સાઢુભાઈ કેસુભાઈની દિકરીને તેનો પતિ ઝઘડો કરી માર મારતો હોવાથી સમજાવવા માટે ફરિયાદીના ભાઈ-ભાભી ગયા હતા જે બાબતનું મનદુઃખ રાખી ઝઘડો કરી માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.