પાલ, રાંદેર, રૂદરપુરા, નાનપુરામાંથી વધુ પાંચ લોકો 102 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયા
સુરતના દરેક વિસ્તારમાં એમ.ડી.ડ્રગ્સ વેચવાનું નેટવર્ક : સેવીયોન શોપીંગ પેરેડાઈઝમાં રોકાયેલા રાંદેરના યુવાન પાસેથી 1.930 ગ્રામ ગાંજો પણ મળ્યો : ક્રાઈમ બ્રાન્ચે 37.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
રૂદરપુરામાં પોલીસને જોઈ બિલ્ડીંગની ટેરેસ પરથી બીજી બિલ્ડીંગમાં કૂદીને ભાગવા જતા યુવાનને ઈજા થઈ
- સુરતના દરેક વિસ્તારમાં એમ.ડી.ડ્રગ્સ વેચવાનું નેટવર્ક : સેવીયોન શોપીંગ પેરેડાઈઝમાં રોકાયેલા રાંદેરના યુવાન પાસેથી 1.930 ગ્રામ ગાંજો પણ મળ્યો : ક્રાઈમ બ્રાન્ચે 37.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- રૂદરપુરામાં પોલીસને જોઈ બિલ્ડીંગની ટેરેસ પરથી બીજી બિલ્ડીંગમાં કૂદીને ભાગવા જતા યુવાનને ઈજા થઈ
સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચે રવિવારે સાંજે મુંબઈથી ટ્રેનમાં જોનપુરના મિત્ર સાથે એમ.ડી.ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલી મુંબઈના ગોવંડીની મહિલાને તેના મિત્રને 252.34 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ તેમની પુછપરછના આધારે સુરતના પાલ, રાંદેર, રૂદરપુરા, નાનપુરા વિસ્તારમાં રેઈડ કરી વધુ પાંચ યુવાનોને વધુ 102.310 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને 1.930 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે કુલ રૂ.37.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરતમાં ચાલતા એમ.ડી.ડ્રગ્સના નેટવર્ક અંગે છેલ્લા સવા મહિનાથી કામ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને બાતમીના આધારે રવિવારે મુંબઈથી સૂર્યનગરી એક્સપ્રેસમાં આવેલી રાબીયા શેખ અને તેના મિત્ર સફીકખાન પઠાણને રૂ.25.23 લાખની કિંમતના 252.34 એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા.ડ્રગ્સ મુંબઈમાંથી અજાણ્યાઓ પાસે લાવીને સુરતમાં મોહસીન શેખ, સરફરાજ ઉર્ફે સલમાન અને ફૈઝલને આપવાના હતા.
આ ત્રણેયના નામ ક્રાઈમ બ્રાન્ચના લિસ્ટમાં હોવાથી જુદીજુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી રવિવારે મધરાત બાદ પાલ ગૌરવપથ રોડ સેવીયોન શોપીંગ પેરેડાઈઝના ચોથા માળે આવેલી કાસા મરીના હોટલના રૂમ નં.404 માં રેઈડ કરી ત્યાં રોકાયેલા સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી પટેલને રૂ.2,87,900 ની મત્તાના 28.790 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને 1.930 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી તેની પાસેથી અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.3,22,199.30 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જયારે રાંદેર રામા રેસિડન્સી પાસે રોડ ઉપરથી ફૈસલ કચરા અને યાશીન મુલ્લાને પણ રૂ.3,15,500 ની મત્તાના 31.55 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી કુલ રૂ.3.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વોન્ટેડ પૈકી મોહસીન શેખ તેના મિત્ર અસ્ફાક શેખના રૂદરપુરા કુંભારવાડ નવી બિલ્ડીંગ ખાતેના ઘરે છુપાયાની બાતમીના આધારે ત્યાં રેઈડ કરી પણ મોહસીન મળ્યો નહોતો.પણ અસ્ફાક શેખ પોલીસને જોઈ બિલ્ડીંગની ટેરેસ પરથી બીજી બિલ્ડીંગમાં કૂદીને ભાગવા જતા તેને ઈજા થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો.ત્યાં તેની જડતીમાં રૂ.1,44,700 ની મત્તાનું 14.470 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું.ત્યાર બાદ ઝડપાયેલાઓની પુછપરછના આધારે આજે મળસ્કે નાનપુરા શ્રુતિ હોસ્પિટલની સામેથી રીક્ષા લઈ પસાર થતા સૈયદ આસીફ ઉર્ફે બાબુને પણ રૂ.2.75 લાખની મત્તાના 27.500 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂ.3.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે પાંચ જગ્યાએ રેઈડ કરી મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.35,46,500 ની મત્તાના કુલ 354.650 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ, રૂ.19.30 નો 1.930 ગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.37,37,749.30 નો મુદ્દામાલ કબજે કરી ક્રાઈમ બ્રાન્ચ, પાલ, રાંદેર અને અઠવાલાઈન્સ પોલીસ મથકમાં પાંચ ગુના નોંધી મોહસીન શેખ અને અન્યોને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કોણ કોણ પકડાયું
(1) રાબીયાબી અબ્દુલ રઝાક શેખ ( ઉ.વ.43, રહે.રૂમ નં.6, લાઈન નં.કે, પ્લોટ નં.25, રોડ નં.1, શિવાજીનગર, મદીના મસ્જીદની પાસે, ગોવંડી, મુંબઈ, મહારાષ્ટ્ર )
(2) સફીકખાન બાબુખાન પઠાણ ( ઉ.વ.40, રહે.ધનાપુર, ગંભૌના, જી.જોનપુર, ઉત્તરપ્રદેશ )
(3) સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી યાકુબભાઈ પટેલ ( ઉ.વ.43, રહે.ફ્લેટ નં.101, કૃતિકા એપાર્ટમેન્ટ, રામનગર, રાંદેર રોડ, સુરત. મૂળ રહે.કાવી, તા.જંબુસર, જી.ભરૂચ )
(4) ફૈસલ અલ્લારખા કચરા ( ઉ.વ.26, રહે.બિલ્ડીંગ નં.ઈ, રૂમ નં.7, નૂરે એ ઈલાહી ટેનામેન્ટ, તાડવાડી , રાંદેર, સુરત )
(5) યાશીન બાબુલ મુલ્લા ( ઉ.વ.24, રહે.રહે.બિલ્ડીંગ નં.એ/5, રૂમ નં.15, નૂરે એ ઈલાહી ટેનામેન્ટ, તાડવાડી , રાંદેર, સુરત )
(6) અસ્ફાક મોહંમદ યુનુસ શેખ ( ઉ.વ.27, રહે.ફ્લેટ નં.201, નવી બિલ્ડીંગ, કુંભારવાડ, અલ ખાલીદ ટી ની સામે, ખ્વાજાદાના ન્યુ રોડ, રૂદરપુરા, સુરત )
(7) સૈયદ આસીફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદ ( ઉ.વ.40, રહે.મકાન નં.21/1/110, બારોટ ટેકરા, બડી મસ્જીદની સામે, રાંદેર, સુરત )
પોલીસને જોઈ ભાગતા યુવાનને સારવાર માટે નવી સિવિલમાં લઈ જઈ જડતી લેતા તેની પાસેથી એમ.ડી.ડ્રગ્સ મળ્યું
સુરત, : ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશનથી ઝડપાયેલી રાબીયાબી અને તેના મિત્ર સફીકખાનની પુછપરછના આધારે વોન્ટેડ આરોપી મોહસીન રૂદરપુરામાં જે મિત્ર અસ્ફાકને ત્યાં રોકાયો હતો ત્યાં રેઈડ કરતા તે પોલીસને જોઈ બિલ્ડીંગની ટેરેસ પરથી બીજી બિલ્ડીંગમાં કૂદીને ભાગવા ગયો હતો.તેમાં તેને ઈજા થતા ક્રાઈમ બ્રાન્ચ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને ત્યાં ડોક્ટરની હાજરીમાં તેની જડતી લેતા તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો.
બે બાળકોની માતા રાબીયાબીના 21 વર્ષ અગાઉ ડિવોર્સ થયા છે અને તે પ્રેમી સાથે સુરત ડ્રગ્સની ડિલિવરી આપવા આવી હતી
સુરત, : સુરત રેલવે સ્ટેશન બહારથી 252.34 એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયેલી મુંબઈની રાબીયાબી બે બાળકોની માતા છે.તેના વર્ષ 2003 માં ડિવોર્સ થયા હતા.તેની સાથે ક્રાઈમ બ્રાન્ચે જેની ધરપકડ કરી છે તે સફીકખાન તેનો પ્રેમી છે અને બંને સાથે ડ્રગ્સની ડિલિવરી આપવા આવ્યા હતા.
સેવીયોન શોપીંગ પેરેડાઈઝમાં ડ્રગ્સની સાથે જુગાર અને કુટણખાના ઝડપાયા
સુરત, : ક્રાઈમ બ્રાન્ચે પાલ ગૌરવપથ રોડ સ્થિત સેવીયોન શોપીંગ પેરેડાઈઝમાં કાસા મરીના હોટલના રૂમ નં.404 માંથી યુવાનને એમ.ડી.ડ્રગ્સની સાથે મળસ્કે ઝડપી પાડયો ત્યારે તેની બાજુના રૂમ નં.405 માં કેટલાક લોકો જુગાર રમતા હતા.પોલીસે ત્યાંથી સાત જુગારીઓને રોકડા રૂ.19,950, સાત મોબાઈલ ફોન અને એક કાર મળી કુલ રૂ.17.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.એટલું જ નહીં આ જ બિલ્ડીંગમાં આવેલી હોટલ રોયલ પેરેડાઈઝમાં ગતસાંજે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેઈડ કરી કુટણખાનું પણ ઝડપી લીધું હતું.