Get The App

બેન્કની બહાર રેકી કરી રોકડની ચોરી-લૂંટ કરતી ગ્વાલા ગેંગના પાંચ વાપીથી ઝડપાયા

નવ દિવસ અગાઉ પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ પાસે વૃદ્ધની રોકડા રૂ.2.14 લાખ અને મોબાઈલ ફોન સાથેની બેગની ચીલઝડપ કરી હતી

ચોરીની બાઈક પર હજારો કી.મી.નું અંતર કાપી દેશના મહત્ત્વના શહેરોમાં ચોરી કરતી આ ગેંગ ભારત અને નેપાળમાં 50 થી વધુ વખત પકડાઈ છે

Updated: Jul 21st, 2023


Google NewsGoogle News
બેન્કની બહાર રેકી કરી રોકડની ચોરી-લૂંટ કરતી ગ્વાલા ગેંગના પાંચ વાપીથી ઝડપાયા 1 - image


- નવ દિવસ અગાઉ પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ પાસે વૃદ્ધની રોકડા રૂ.2.14 લાખ અને મોબાઈલ ફોન સાથેની બેગની ચીલઝડપ કરી હતી

- ચોરીની બાઈક પર હજારો કી.મી.નું અંતર કાપી દેશના મહત્ત્વના શહેરોમાં ચોરી કરતી આ ગેંગ ભારત અને નેપાળમાં 50 થી વધુ વખત પકડાઈ છે

સુરત, : ચોરીની બાઈક પર હજારો કી.મી.નું અંતર કાપી દેશના મહત્ત્વના શહેરોમાં બેન્કની બહાર રેકી કરી રોકડની ચોરી-લૂંટ કરતી ગ્વાલા ગેંગના પાંચ સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચે વાપીથી ઝડપી પાડી સુરતમાં નવ દિવસ અગાઉ પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ પાસે વૃદ્ધની રોકડા રૂ.2.14 લાખ અને મોબાઈલ ફોન સાથેની બેગની ચીલઝડપના ગુના સહિત પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આ ગેંગ ભારત અને નેપાળમાં 50 થી વધુ વખત પકડાઈ છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત 12 મી ની બપોરે પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ પાસે વૃદ્ધની રોકડા રૂ.2.14 લાખ અને મોબાઈલ ફોન સાથેની બેગની ચીલઝડપ કરી બાઈક પર ફરાર થઈ ગયા હતા.આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે વાપી કબ્રસ્તાન રોડ જુના બસ સ્ટેન્ડ પાસેથી મનોજ ઉર્ફે સીન્ટુ રાજુ ગ્વાલા ( ઉ.વ.40 ), ટીન્કુ અધિક ગ્વાલા ( ઉ.વ.42 ) ( બંને રહે.ફાટાપોખર ગામ, ઝાંઝીપાડા, જી. જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ ), રાહુલ શશી યાદવ ઉર્ફે ટીપુ રણજીત ગ્વાલા ( ઉ.વ.30 ), બાલા લાલજી યાદવ ( ઉ.વ.40 ) અને અવિનાશ રાજેશ યાદવ ( ઉ.વ.25 ) ( ત્રણેય રહે.નયા ટોલા, જોરાબગંજ, જી.કટિહાર, બિહાર ) ને રૂ.1.80 લાખની મત્તાની ત્રણ બાઈક, રોકડા રૂ.61 હજાર, ચાર સાદા મોબાઈલ ફોન, ચાર બનાવટી આધારકાર્ડ સાથે ઝડપી લીધા હતા.

જલપાઈગુડીની ગ્વાલા ગેંગ તરીકે જાણીતી આ ગેંગ ચોરીની બાઈક પર હજારો કી.મી.નું અંતર કાપી દેશના મહત્ત્વના શહેરોમાં બેન્કની બહાર રેકી કરી રોકડની ચોરી-લૂંટ કરે છે અને અગાઉ પશ્ચિમ બંગાળ, હરિયાણા, ગુજરાત, બિહાર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ તેમજ નેપાળમાં ઇટીહારી, કાકરવીટા, ધુલબારી, જુમ્કા શહેરમાં 50 થી વધુ વખત પકડાઈ છે.આ ગેંગે સુરત ઉપરાંત વાપીમાં બેન્કમાંથી પૈસા ઉપાડી નીકળેલા કારચાલકનો પીછો કરી કારનો કાચ તોડી રૂ.5.50 લાખ ભરેલી બેગની ચોરી કરી હતી.તેમની પુછપરછમાં ઉત્તરપ્રદેશના એક અને બિહારના બે ગુનાનો પણ ભેદ ખુલ્યો છે.

બેન્કની બહાર રેકી કરી રોકડની ચોરી-લૂંટ કરતી ગ્વાલા ગેંગના પાંચ વાપીથી ઝડપાયા 2 - image

મોટાભાગે વૃદ્ધને નિશાન બનાવે છે

સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચે જ ડિસેમ્બર 2019 માં ગ્વાલા ગેંગના મુખ્ય સૂત્રધાર ચંદન મુખલાલ ગ્વાલા અને હાલ ઝડપાયેલા સીન્ટુને પકડયા હતા ત્યારે તેમણે 150 થી વધુ ગુનાની કબૂલાત કરી હતી.તે સમયે બંને કાપોદ્રા મમતાપાર્કમાં રહેતા વૃદ્ધ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય વરાછા મીનીબજારમાં સેઇફ ડિપોઝીટ વોલ્ટમાંથી પત્ની સાથે જઈ દાગીના લાવ્યા હતા અને ઘરની બહાર મોપેડની ડીકીમાંથી 12 થી 13 તોલા સોનાના દાગીનાનો થેલો કાઢતા હતા ત્યારે જ થેલો આંચકી ફરાર થઇ ગયા હતા.


જુદીજુદી રીતે ચોરી કરતી ગ્વાલા ગેંગના સાગરીત જો ચોરી ન કરે તો તેના લગ્ન થતા નથી

સુરત, : બે અથવા ચારની જોડીમાં ચોરીને અંજામ આપવા નીકળતી ગ્વાલા ગેંગ ઘણી મોટી ગેંગ છે. ગ્વાલા ગેંગમાં આખું ફેમિલી સામેલ હોય છે અને જો તેનો સાગરીત ચોરી ન કરે તો તેના લગ્ન પણ થતા નથી. આ ગેંગ શહેરમાં મોટી બેન્ક, લોકર જેવી જગ્યાએ વોચ રાખી કોઈ વ્યક્તિ રોક્સ,બેગ લઇ નીકળે તો પીછો કરી રસ્તામાં ચીલઝડપ કરે છે. જો રોકડ કે બેગ ટુ વ્હીલરની ડીકીમાં હોય તો ડીકી તોડી અથવા ફોર વ્હીલરની ડીકીમાં હોય તો કાચ તોડી ચોરી કરે છે. તે સિવાય વાતોમાં ભોળવી, મેલું નાખી, નોટો નાખી ધ્યાન ભટકાવી તેઓ ચોરી કરે છે. મોટી રકમ હાથ લાગ્યા બાદ તેઓ રોકડ પોતાના સાથી મારફતે વતન મોકલી આપે છે જયારે અન્ય મુદ્દામાલ કુરીયરમાં મોકલી આપે છે.

બેન્કની બહાર રેકી કરી રોકડની ચોરી-લૂંટ કરતી ગ્વાલા ગેંગના પાંચ વાપીથી ઝડપાયા 3 - image

સસ્તા ભાવની હોટલમાં રોકાવા ગેંગે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના બોગસ આધારકાર્ડ બનાવ્યા છે

સુરત, : દેશભરમાં ચોરી કરવા માટે કુખ્યાત ગ્વાલા ગેંગ જે શહેરમાં ચોરીને અંજામ આપવા જાય ત્યાં સસ્તા ભાવની હોટલમાં રોકાય છે.આથી તેમાં રોકાણ માટે ગેંગે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના ખોટા નામ અને સરનામાવાળા બોગસ આધારકાર્ડ બનાવ્યા છે.


Google NewsGoogle News