જામનગરથી પતિ, પત્ની તેમજ પુત્રીનું અપહરણ કરી MP જતા પાંચની ધરપકડ
જરોદ રેફરલ ચોકડી પાસે પોલીસે સફેદ બોલેરોને રોકી મહિલા સહિત પાંચેયની ઝડપી ત્રણને છોડાવ્યા
જરોદ તા.૬ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાની એક વાડીમાંથી પતિ અને પત્ની તેમજ પુત્રીનું અપહરણ કરી મધ્યપ્રદેશ લઇ જતી ગેંગના પાંચ સભ્યોને જરોદ પાસેથી પોલીસે ઝડપી પાડયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે કાલાવાડ તાલુકાના ધુનધોરાજી ગામની સીમમાં મૂળ મધ્યપ્રદેશનો પરિવાર ભાડે રાખેલી વાડીમાં ઊંઘતો હતો ત્યારે વિક્રમ રામસિંગ દેસાઇ (રહે.અડવાળાગામ તા.આંબવા, જિલ્લો અલીરાજપુર) તેના સાગરીતો સાથે આવ્યો હતો અને કૈલાસભાઇ સુપડુભાઇ સોલંકી તેની પત્ની ઉષાબેન તેમજ પુત્રી નિશાને ધમકી આપી સફેદ કલરની બોલેરો ગાડીમાં અપહરણ કરીને ભાગી ગયા હતાં.
અપરહણ થયેલ કૈલાસભાઇનો સાળો દિનેશ વિક્રમની બહેન જીગલીને ભગાડી ગયો હતો તેની અદાવત રાખી ત્રણેનું અપહરણ કરનારાઓ વાસદથી આગળ નીકળ્યા છે તેવી માહિતી જરોદ પોલીસને મળતાં રેફરલ ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને માહિતી મુજબની સફેદ રંગની બોલેરો આવતાં તેને ઊભી રાખી તપાસ કરતાં અંદર ચાર મહિલાઓ તેમજ પાંચ પુરુષો બેઠા હતાં. તેઓની પૂછપરછ કરતાં અપહરણ થનાર એક મહિલાએ બૂમો પાડતાં પોલીસને શંકા ગઇ હતી અને તમામને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરતાં કાલાવાડથી અપહરણ કરીને મધ્યપ્રદેશ લઇ જનારા જ હોવાનું ફલિત થયું હતું.
પોલીસે આરોપીઓ વિક્રમ રામસિંગ દેસાઇ (રહે.અડવાડા તા.ઝામ્બુવા, જિલ્લા અલીરાજપુર, મધ્યપ્રદેશ), શમશેર પારમસિંગ માવી (રહે.બડીફાટા, તા.ભાભંરા, જિલ્લો અલીરાજપુર), ગુડ્ડુ કાદી માવી (રહે.બડીફાટા તા.ભાંભરા, જિલ્લો અલીરાજપુર), ગનુ રંગસિંગ માવી (રહે.બડીફાટા, તા.ભાંભરા, જિલ્લો અલીરાજપુર) તેમજ તમામને સાથે લઇને આવેલી મહિલા ગીતા રાહુલ ઠાકરે (રહે.જયગુન, તા.પાનસમય, જિલ્લો બડવાની, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી પતિ અને પત્ની તેમજ પુત્રીને છોડાવ્યા હતાં.