Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર અકસ્માતમાં બે મહિલા સહિત પાંચના મોત, મંગળવાર રહ્યો અમંગળ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર અકસ્માતમાં બે મહિલા સહિત પાંચના મોત, મંગળવાર રહ્યો અમંગળ 1 - image


Road Accident in Surendranagar district : ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામ પાસે આવેલ પંપ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલા બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અલગ-અલગ બાઈક પર સવાર ભરતભાઈ બાબુભાઈ વિઠલાપરા (રહે.પેઢડા) અને ગુલાબભાઈ રમેશભાઈ મછાર (રહે.વાલીયા  જી.પંચમહાલ) બંને યુવા ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. 

આ અંગે 108 એમ્બ્યુલન્સ ટીમ તેમજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસે બંને મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરી અકસ્માત અંગે જાણ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર અકસ્માતમાં બે મહિલા સહિત પાંચના મોત, મંગળવાર રહ્યો અમંગળ 2 - image

અકસ્માતનો બીજો બનાવ સાયલા તાલુકાના હડાળા નજીક બન્યો હતો. સખપરના આચાર્ય રેખાબેન હડાળા બોર્ડથી ધાંધલપુર રોડ ઉપર સોલાર પ્લાન્ટ પાસેથી એક્ટિવા લઈ જઇ રહ્યાં હતા. ત્યારે પશુ આડુ ઉતરતા એક્ટિવા સ્લીપ થઇ જતાં રેખાબેનનું મૃત્યુ થયું હતું. રેખાબેનના મૃતદેહને ચોટીલાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભાવનગર બસ અકસ્માત : જાગ્યા પછી પણ પરિસ્થિતિ સમજાતી ન હતી, પુત્રી ગુમાવનાર પિતાએ આપવિતી જણાવી

અકસ્માતનો ત્રીજો બનાવ સાયલાના બાયપાસ પાસે નોંધાયો છે. સાયલાના બાયપાસ પાસે પાર્કિંગ કરેલા ટ્રક સાથે ટ્રક અથડાતા કરસનભાઈ રામજીભાઈ સાગરકા (રહે. માંગરોળ, ઉં.વ. 64)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ સાયલાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર હોય ત્યાંથી તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં સારવાર કારગર નિવડે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું. 

અકસ્માતનો ચોથો બનાવ ગોસળના બોર્ડ પાસે રાત્રી દરમિયાન બન્યો હતો. જેમાં આઇસર સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા જયશ્રીબેન મનહરભાઈ પાલા (રહે. જામનગર, ઉ.વ. 54)નું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર દિનેશભાઈ ધનજીભાઈ પોલરા (રહે. જામનગર, ઉં.વ.62)ને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

કાર અને આઇસર વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો તે હાલ તપાસનો વિષય છે. પ્રાથમિક વિગત અનુસાર કાર ડિવાઇડર કૂદાવી રોંગ સાડમાં આવી જતાં આઇસર સાથે અથડાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.


Google NewsGoogle News