ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી: ચારના નિધન, પરિજનોનું હૈયાફાટ રુદન

Updated: May 21st, 2024


Google NewsGoogle News
ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી: ચારના નિધન, પરિજનોનું હૈયાફાટ રુદન 1 - image

Drowned in Bortalav : ભાવનગરના બોરતળાવમાં ડૂબવાના કારણે ચાર બાળકીઓના નિધન થયા છે. ચારેય બાળકીઓ બોર તળાવમાં કપડાં ધોવા માટે ગઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એક બાળકી હાલ સારવાર હેઠળ છે. 

કઈ રીતે થઈ દુર્ઘટના? 

ભાવનગરના બોરતળાવની આસપાસ જ રહેતી બાળકીઓ અને કિશોરી કપડાં ધોવા માટે એકત્રિત થઈ હતી. જે બાદ એક બાળકી અચાનક તળાવમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય બાળકીઓ પણ પાણીમાં કૂદી પડી હોવાનું જાણવા મળ્યું છે. તમામ બાળકીઓ ડૂબવા લાગતાં આસપાસના લોકોએ બચાવવા માટે પ્રયાસ કર્યા. હોસ્પિટલ લઈ ગયા બાદ ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી છે જ્યારે એક બાળકી હાલ સારવાર હેઠળ છે.

મૃતકોના નામ: 

  1. અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ.આ.17)
  2. રાશીબેન મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.9)
  3. કાંજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ.આ.12)
  4. કોમલબેન મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.13)

સારવાર હેઠળ

  1. કિંજલ મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.12)

થોડા દિવસ અગાઉ નર્મદામાં ડૂબ્યાં હતા આઠ લોકો
14 મેના રોજ નર્મદા જિલ્લાના પોઇચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા. ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો. 

નવસારીમાં ચાર લોકોએ ડૂબાવાના કારણે જીવ ગુમાવ્યો
12 મેના રોજ નવસારીના દાંડીના દરિયામાં સાત લોકો ડૂબ્યા હતા. જેમાંથી ત્રણ લોકોનો બચાવ થયો હતો અને ચાર લોકો ગુમ થયા હતા. ત્યારબાદ ગુમ થયેલા લોકોની શોધખોળ તરવૈયાઓએ શરૂ કરી હતી. બાદમાં આ ચારેય લોકોના મૃતદેહ દાંડીના દરિયામાંથી મળી આવ્યા હતા. દરિયામાં ડૂબવાથી મૃત્યુ પામેલા લોકો ખડસૂપાના રહેવાસી હતા. આ તમામ લોકો રવિવારના દિવસે રજા હોવાથી દાંડીના દરિયામાં ન્હાવા માટે ગયા હતા.

કોળીયાકના દરિયામાં ત્રણ યુવાનો ડૂબ્યાં
ભાવનગરના કોળીયાકના દરિયામાં ત્રણ યુવાનો ડૂબ્યા, એકનું મોત : 7 મેના રોજ ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારના છ મિત્રો કોળીયાકના દરિયાકાંઠે ફરવા ગયા હતા. આ દરમિયાન ચાર મિત્રો દરિયામાં ન્હાવા પડ્યા હતા. અચાનક વળતા પાણી સાથે ત્રણ મિત્ર દરિયામાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી બે યુવકોને બહાર ખેંચી લેવાતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવક દરિયામાં ગરકાવ થઈ જતા મોત થયું હતું.

પોરબંદરના દરિયામાં માતા-પુત્ર ડૂબ્યા, બાળકનું મોત
9 મેના રોજ પોરબંદરના ચોપાટી નજીક નાદરિયામાં એક મહિલા અને એક બાળક દરિયામાં ડૂબ્યા હતા. જોકે, અહીંના માછીમાર રાજુભાઇ સોલંકી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે મહિલા અને બાળકને ડૂબતા બચાવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. તાત્કાલિક બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમા પહોંચાડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. 


Google NewsGoogle News