8 થી 20 ટકાના માસિક દરે વ્યાજે પૈસા આપતા પિતા-પુત્ર સહિત પાંચ ફાઈનાન્સર ઝડપાયા
નાના કરિયાણા વેપારી, શાકભાજી વેપારી અને રીક્ષા ચાલકો પાસે રોજરોજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા : જે દિવસનું વ્યાજ નહીં ચુકવતા તે રકમ પર પણ તગડું વ્યાજ લગાવી પૈસા લેતા હતા
કાપોદ્રા પોલીસે ફાઈનાન્સરો પાસેથી હિસાબની ડાયરીઓ, રોકડ અને મોબાઈલ ફોન મળી રૂ.60 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
- નાના કરિયાણા વેપારી, શાકભાજી વેપારી અને રીક્ષા ચાલકો પાસે રોજરોજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા : જે દિવસનું વ્યાજ નહીં ચુકવતા તે રકમ પર પણ તગડું વ્યાજ લગાવી પૈસા લેતા હતા
- કાપોદ્રા પોલીસે ફાઈનાન્સરો પાસેથી હિસાબની ડાયરીઓ, રોકડ અને મોબાઈલ ફોન મળી રૂ.60 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાના કરિયાણા વેપારી, શાકભાજી વેપારી અને રીક્ષા ચાલકોને 8 થી 20 ટકાના માસિક દરે વ્યાજે પૈસા આપી રોજરોજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા પાંચ ફાઈનાન્સરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી હિસાબની ડાયરીઓ, રોકડ અને મોબાઈલ ફોન મળી રૂ.60 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા વિસ્તારમાં કેટલાક વ્યાજખોર ફાઈનાન્સર ઊંચા વ્યાજ દરે નાના કરિયાણા વેપારી, શાકભાજી વેપારી અને રીક્ષા ચાલકોને વ્યાજે પૈસા આપી બાદમાં રોજરોજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી.આથી કાપોદ્રા પોલીસે ત્રણ જુદીજુદી ટીમ બનાવી ગતરોજ કાપોદ્રા રૂક્ષ્મણી સોસાયટીના ગેટ પાસેથી, કાપોદ્રા બાલમુકુંદ સોસાયટીના ગેટ પાસેથી તેમજ નાના વરાછા મોતીનગર સર્કલ પાસેથી પિતા-પુત્ર સહિત પાંચ ફાઇનાન્સરને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી લખાણવાળી અને કોરી 15 પોકેટ ડાયરી, રોકડા રૂ.40 હજાર અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.60 હજરનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ મોટાભાગે નાના વેપારીઓને જ માસિક 8 થી 20 ટકાના વ્યાજે પૈસા આપતા હતા.જોકે, તેઓ જે રકમ આપતા તેમાંથી 10 ટકા રકમ વ્યાજની કાપીને આપતા હતા.બાદમાં બાકીની રકમને 45 દિવસમાં વિભાજીત કરી તેની રોજ ઉઘરાણી કરવામાં આવતી હતી.જો કોઈ એક દિવસની રકમ નહીં આપે તો તેના ઉપર પણ 20 ટકા વ્યાજ ગણવામાં આવતું હતું અને જેટલા દિવસ તે રકમ નહીં આપે તે મુજબ પઠાણી ઉઘરાણી કરાતી હતી.કાપોદ્રા પોલીસે તમામ વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ પાંચ ગુના નોંધી તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કોણ કોણ પકડાયું
(1) ટ્રાવેલ્સ સંચાલક સુનીલભાઈ ઝીણાભાઈ વેકરીયા ( ઉ.વ.47, રહે.રમેશભાઈના મકાનમાં, સીતાનગર સોસાયટી, પુણાગામ, સુરત )
(2) મહેશભાઈ સાદુળભાઈ સાંબડ ( ઉ.વ.32, રહે.મકાન નં.77, પહેલો માળ, વિઠ્ઠલનગર સોસાયટી, બાપા સીતારામ ચોક, કતારગામ ડભોલી રોડ, સુરત )
(3) ઓટો રીક્ષા માલિક અતુલભાઈ કનુભાઈ વસાણી ( ઉ.વ.39, આશીર્વાદ સોસાયટી, લસકાણા, સરથાણા, સુરત )
(4) પિતા-પુત્ર અવધેશ ( ઉ.વ.21)- રાધેશ્યામભાઈ ભીખારામ ગોંડલીયા ( ઉ.વ.52 ) ( બંને રહે.33, પ્રભુદર્શન સોસાયટી, કાપોદ્રા, સુરત )
ફાઈનાન્સર પિતા-પુત્ર ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી ઓછા વ્યાજે પૈસા લઈ તે પૈસા તગડા વ્યાજે આપતા હતા
સુરત, : પાંચ ફાઈનાન્સર પૈકી પિતા-પુત્ર અવધેશ- રાધેશ્યામભાઈ ગોંડલીયા ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી ઓછા વ્યાજે પૈસા લેતા હતા.બાદમાં તે રકમ 10 થી 15લોકોને તગડા વ્યાજે આપી તેઓ રોકડી કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
પાંચેય ફાઈનાન્સર પાસે છેલ્લા દોઢ વર્ષમાં 150 થી વધુ લોકોએ તગડા વ્યાજે પૈસા લીધા છે
સુરત, : પોલીસે ફાઈનાન્સર પાસેથી કબજે કરેલી ડાયરીઓની તપાસ કરતા જાણવા મળ્યું છે કે તેમણે છેલ્લા દોઢ વર્ષમાં 150 થી વધુ લોકોએ તગડા વ્યાજે પૈસા આપી તેમને રંજાડીને કમાણી કરી છે.