અમદાવાદ અને સુરતથી ભાગતા પાંચ બાંગ્લાદેશીઓ ટ્રેનમાં ઝડપાયા
કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુષણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ગઇ મોડી રાત્રીના 2.15 વાગ્યાના અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેમાં ચેકિંગ દરમિયાન પાંચ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા. જેમાં પતિ-પત્ની તેમના બે બાળક અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે.
રેલવે પોલીસે પાંચેય પાસેના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમને ડીટેઇન કરીને હાલ રેલવે પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં થયેલા આતંકી હુમલા બાદ ટ્રેનોમાં મુસાફરી કરતાં ઘુષણખોરીઓની તપાસ કરવા માટેની ડ્રાઈવ ચલાવવા માટે પશ્ચિમ રેલવે વડોદરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી દ્વારા સુચના અપાઈ હતી. જેના આધારે રેલ્વે એલસીબી, એસઓજી અને પોલીસ સ્ટેશન વડોદરાના કર્મચારીઓ અલગ-અલગ ટીમો બનાવી ટ્રેનોમાં ચેકિંગ કરી રહ્યા હતા.
ગઈ રાત્રે આમદાવાદ હાવડા એકસપ્રેસ ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉ૫ર આવતા ટ્રેનમાં ચેકિંગ કરતા થ્રી ટાયર એસી કોચમાં 3 શખ્સો તથા 2 બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેઓની પુછતાછ કરતા શરૂઆતમાં તેઓ યોગ્ય જવાબ આપતા ન હોય તેઓને ટ્રેનમાંથી ઉતારી સઘન પુછ૫રછ કરતા તેઓએ પોતે બાંગ્લાદેશી હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ તેઓ પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવાની માંગણી કરતા તેઓએ પુરાવા રજુ કર્યા હતા. જેથી તેઓને વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી નામ બાબતે પૂછતાછ શરૂ કરી હતી ત્યારે તેઓએ ઓહીદુલ રૂસ્તમ શેખ, ૫રવિન ઓહીદુલ શેખ,મારૂ૫ ઓહીદુલ શેખ,શાહરૂખ ઓહિદુલ શેખ ( ચાર હાલ રહે.-ચંડોળા તળાવ પાસે, મોઇદર બાબાની દરગાહ પાસે, અમ્મા મૂરજીદની ગલીમાં, ઇસનપુર રોડ, અમદાવાદ, મુળ રહે.ગામ-ભાયડાંગા, થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) અને મોહમદ શેરઅલી મોહમદ લૂતપાર શેખ (હાલ રહે.-સિદ્ધાર્થ ટોકિઝની પાછળ, અડાજણ પાટીયા, ઝૂંપડપટ્ટીમાં, સુરત મુળ રહે.ગામ-સીતારામપુર ચોક, પોસ્ટ-થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ)ના હોવાનું જણાવ્યુ હતું. બાંગ્લાદેશી દંપતિએ અમદાવાદ ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે ચોરી છુપીથી ઝૂંપડપટ્ટી બનાવી કચરો વીણવાનું કામ કરતા હોવાનું તથા શેરઅલી શેખે સુરત ખાતે ભીખ માંગવાનું કામ કરતા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે તમામને ડીટેઇન કરી વડોદરા રેલવે સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરી છે.