Get The App

બેન્ક ઓફ બરોડાના ચકચારી લોન કૌભાંડમાં તત્કાલિન બ્રાન્ચ મેનેજર સહિત પાંચ ઝડપાયા

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
બેન્ક ઓફ બરોડાના ચકચારી લોન કૌભાંડમાં તત્કાલિન બ્રાન્ચ મેનેજર સહિત પાંચ ઝડપાયા 1 - image


કૌભાંડમાં બેંક સહિત અન્યની સંડોવણીની તપાસાર્થે પોલીસે તપાસ આદરી

ઘોઘારોડ પોલીસ મથકમાં ૨૮ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ પોલીસે તાત્કાલિક મુખ્ય કૌભાંડીઓને ઝડપી લીધા 

ભાવનગર: શહેરના ઘોઘારોડ મોખડાજી સર્કલમાં આવેલી બેન્ક ઓફ બરોડાના તાત્કાલિન બ્રાન્ચ મેન્જર કર્મચારી સાથે મેળાપીપણું કરી ૨૪ લાભાર્થીઓને નકલી કવૉટેશન, તથા નકલી બિલ મારફતે સબસીડાઈઝ્ડ લોન આપી સરકારી તિજોરીને રૂા.૧.૦૧ કરોડનું નુકશાન પહોંચાડવાના ગુન્હાહિત કાવતરાંનો પર્દાફાશ થયો છે ત્યારે, આ ચકચારી બેંક લોન કૌભાંડને લઈ પોલીસે બેંકના તત્કાલિન બ્રાંચ મેનેજર, તત્કાલિન બેંકના ક્રેડીટ ઓફિસર અને બે અજન્ટ તથા એક લાભાર્થી સહિત પાંચને દબોચી લીધા હતા. જયારે, ચકચારીકાંડની ઝીણવટભરી તપાસ અર્થે પોલીસે સિટની રચના કરી છે. 

આ ચકચારી કાંડની વિગત એવી છે કે, બેંક ઓફ બરોડાની ભાવનગર શહેરનો ઘોઘારોડ પર આવેલી મોખડાજી સર્કલ બ્રાન્ચમાં એપ્રિલ-૨૦૨૩ દરમિયાન બ્રાંચનું ઓડિટ હાથ ધર્યું હતું. જેમાં એવી ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી કે, તત્કાલિન બ્રાન્ચ મેનેજરે સરકારની વિવિધ સબસીડી પાત્ર યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લોન લેનારા વ્યક્તિઓ પૈકી ૨૪ લાભાર્થીએ  બેંકમાં બનાવટી ક્વોટેશન અને ઈનવોઈસ બીલો રજૂ કરી લોન આપી હતી. આ પણ અધુરૂં હોય તેમ બેંકના અધિકારીઓએ ઉક્ત ૨૪ લાભાર્થીઓએ કરેલી અરજીમાં દર્શાવેલ ધંધાના સ્થળે કોઈ મશિનરી કે ધંધાનું સ્થળ મળી ન આવતાં તમામે એકબીજા સાથે મેળાપીપણું કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડયાનું ફલિત થયું હતું. જો કે, બેંક દ્વારા લોન અને સબસીડીની રકમ ભરપાઈ કરવા માટે ૨૪ લાભાર્થીઓને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાંથી ૧૦ લોકોએ નોટીસ મળ્યેથી લોન ભરપાઈ કરી દીધી હતું પરંતુ ૧૪ લાભાર્થીઓએ નોટીસને પણ નહી ગણકારી આજદીન સુધી લોન નહી ભરી સરકાર સાથે કુલ રૂ.૧,૦૧,૩૫,૩૪૧ની છેતરપિંડી આચરી હતી.આ સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ બરોડા તત્કાલિન બ્રાંચ મેનેજર, તત્કાલિન કેક્રિડ મેન્જર સહિત અને ૨૪ લાભાર્થી સહિત કુલ ૨૮ લોકો સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે આજે પોલીસે તત્કાલિબ્બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા , તત્કાલિન ક્રેડિટ મેન્જર અને બંક કર્મચારી પ્રદીપ મારૂ તથા એજન્ટ હિતેશ દલપતભાઈ ગલચર અને રમેશ મગનભાઈ જાવિયા  તથા લાભાર્થી જેસિંગ અરજણભાઈ રાઠોડ ઝડપી પાડયા હતા. જયારે, અન્યોને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળેલ છે. 

કૌભાંડને અંજામ આપવા બન્ને એજન્ટોએ ગ્રાહકો શોધ્યા

ભાવનગર સહિત રાજ્યમાં ચકચાર જગાવનાર બેન્ક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાન્ચના લોન કૌભાંડમાં બેંક કર્મચારી સાથે મેળાપીપણું કરનાર બે એજન્ટની પોલીસે ધરપકડ કરી છે. આ કૌભાંડમાં એજન્ટ તરીકે ભૂમિકા ભજવનાર હિતેશ દલપતભાઈ ગલચર તથા રમેશ મગનભાઈ જાવિયા સરકારી વિવિધ યોજનાની લોન માટેના અરજદારોને શોધીને લાવતા હતા અને તેમને લોનની જરૂરિયાત ન હોવા છતાં તેમના નામે ખોટા કવોટેશન અને બિલો સહિતની કાર્યવાહી કરીને લોન માટેની અરજી કરાવતા હતા અને લોન મંજૂર થયા બાદ લોનની રકમ તેમજ સબસીડીની રકમ પૈકીનો મોટાભાગનો હિસ્સો ઉચાપત કરી જઈ અરજદારને નજીવો લાભ આપતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં બેંકના અન્ય કર્મચારીઓ સામેલ છે કે કેમ ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. 

તપાસાર્થે સિટની રચના કરવામાં આવી 

ચકચારી બેંક કૌભાંડની ઝીણવટભરી તપાસ થાય તે માટે ભાવનગર પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની રચના કરી છે. જેમાં પીઆઈ જે.કે. ડામોર,પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, પીએસઆઈ ડી.વી.ડાંગર ,પીએસઆઈ એમ.આર. રાજપરા સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તત્કાલિન બ્રાન્ચ મેનેજરની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયો

બેન્ક ઓફ બરોડાના ચકચારી લોન કૌભાંડમાં પોલીસે તત્કાલીન બ્રાન્ચ મેનેજર સહિત પાંચ શખ્સની ધરપકડ કરી છે.ઝડપાયેલા પાંચ શખ્સ પૈકી તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝાની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળેલ છે. 


Google NewsGoogle News