કંપનીની બ્રાન્ચ બંધ થતાં મહિલા મેનેજર પાસે ડિપોઝિટ માંગી હુમલો કરનાર પાંચ પકડાયા
વડોદરાઃ પંજાબની કંપનીની વડોદરાની બ્રાન્ચ બંધ થતાં ડિપોઝિટની રકમ પરત મેળવવા માટે મહિલા બ્રાન્ચ મેનેજર સાથે ઝપાઝપી કરી ચેન અને સ્કૂટર ઉઠાવી જવાના બનાવમાં છાણી પોલીસે એક યુવતી સહિત પાંચને ઝડપી પાડયા છે.
ડિપોઝિટની રકમ પરત નહિ મળતાં એજન્ટોએ મેનેજર કાજલ ચૌહાણને ઘેર જઇ હોબાળો કર્યો હતો અને મેનેજર તેમજ તેમના માતા સાથે ઝપાઝપી કરી માતાની સોનાની સાત ગ્રામની ચેન-સ્કૂટર ઉઠાવી ગયા હતા.
ગોરવા પોલીસે આ બનાવમાં ગુનો નોંધી સચીન અશોકભાઇ પરમાર તેનો ભાઇ (૨)નિકુંજ અશોકભાઇ પરમાર(બંને રહે.સરસ્વતી નગર, રોઝીઝ ગાર્ડન પાસે,છાણી)(૩) વિશાલ મહેશભાઇ પરમાર (નવાપુરા ગામ,ડભોઇરોડ)(૪) તેજલ રિષભભાઇ પટેલ(અનગઢિયા ટેકરા,છાણી) અને (૫) ક્રિષ્ના રાજુભાઇ ફુલમાળી(ગુલાબી વુડાના મકાનમાં,કલાલી ફાટક પાસે)ની ધરપકડ કરી હતી.