પાટડીના યુવકની હત્યા કરનાર પાંચ આરોપીને આજીવન કેદ
- અગાઉ થયેલી હત્યાના મનદુઃખમાં આરોપીઓ હુમલો કરી લૂંટ ચલાવી હતી
ધ્રાંગધ્રા : દસાડા તાલુકાના બજાણા રેલ્વે ફાટક પાસે ૨૦૧૮માં અગાઉ કરેલી હત્યાનું મનદુઃખ રાખી પાટડીના કામલપુરના વ્યક્તિ હબીબખાન મલેક પર છ શખ્સોએ જીવલેણ હુમલો કરી લુંટ ચલાવી હતી. જેમાં હબીબખાન મલેકનું મોત નીપજ્યું હતુ. જે અંગે ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. જે અંગેનો કેસ ચાલી જતાં ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.
૨૦૧૮માં પાટડીના કામલપુર ગામે રહેતા સામબાઈ હબીબખાન મલેક અને તેમના પતિ હબીબખાન બાઈક લઈને સવલાસથી કામલપુર જઈ રહ્યાં હતા. તે દરમિયાન બજાણા રેલવે ફાટક પાસે છ શખ્સોએ એકસંપ થઈ અગાઉ થયેલ હત્યા બાબતનું મનદુઃખ રાખી ધારીયા, લોખંડની ટામી વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી લુંટ ચલાવી હતી. સારવાર દરમિયાન હબીબખાન મલેકનું મોત નીપજ્યું હતું. જે અંગે સામબાઇ મલેકએ ૬ શખ્સો સામે હત્યા અંગેની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં દાખલ કર્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા દલીલો અને દસ્તાવેજી તેમજ મૌખીક પુરાવાને ધ્યાને લઈ સેશ્નસ કોર્ટે હત્યા નિપજાવનાર પાંચ આરોપીઓ ઈકબાલખાન રહેમતખાન મલેક, અકબરખાન રહેમતખાન મલેક, મહેબુબખાન માલાજી મલેક, મોઈનખાન અમીરખાન મલેક અને હનીફખાન આલેફખાન મલેકને આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.