આણંદ અને નડિયાદ મનપા જાહેર થયા બાદ પ્રથમ પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- પ્રથમ મ્યુનિ.કમિશરોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી
- આણંદના આંકલાવ તથા ખેડાના કપડવંજ ખાતે જિલ્લાકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી
આણંદ મનપા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક કાર્યક્રમમાં ૬૮મી રાષ્ટ્રીય શાળા સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા રિઝવાનાબાનુ મલેક સહિત ચાર શિક્ષિકો તથા ત્રણ સફાઈ કર્મીઓનું શાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.
આણંદના આંકલાવના સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી વાતાવરણને દેશભક્તિથી તરબોળ કર્યું હતું. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડોગ-શો અને હોર્સ-શો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના વિરાસ કાર્યોમાં પ્રદાન આપનારા ૬૫ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ, કલાકારો સહિતનાનું સન્માન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરાયું હતું અને વહીવટી તંત્ર દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું. વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ત્રણ હજાર પેપર બેગનું વિતરણ કરાયું હતું.
ખેડાના કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ૭૬માં ગણતંત્ર દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અતિવૃષ્ટી દરમિયાન નવજાતના બચાવની કામગીરી કરનારા ખેડા ટાઉન પીઆઈ, વરસાદમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા સહિતની કામગીરી માટે મહેમદાવાદ પોલીસ મથકના એએસઆઈ સહિત વિવિધ ક્ષેત્રે નોંધનીય કામ કરનારા અગ્રણીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.