સુરતના શહેરીકરણ અને વધતા જતા પ્રદૂષણને કારણે પોંક સુરતથી દૂર જઈ રહ્યો છે
ખાણી પીણી માટે વિશ્વમાં પ્રખ્યાત સુરત છે અને પોંક અને સુરત સિક્કાની બે બાજુ બની ગયા હતા. પરંતુ હાલમાં વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે પોંક સાથે સુરત કરતાં પણ પહેલું નામ આસપાસના વિસ્તાર સાથે જોડાયેલું છે. સુરતમાં પોંકની ભઠ્ઠીઓ હજી બની રહી છે પરંતુ સુરતમાં પોંકનું વેચાણ શરુ થયું છે, વેપારીઓ અન્ય જગ્યાએથી પોંક મંગાવી વેચાણ કરી રહ્યાં છે. સુરતની ભઠ્ઠીમાં પહેલો પોંક વેચાણમા આવે તે પહેલાં સુરતમાં પોંકની એન્ટ્રી વાયા બારડોલી, કરજણ અને નવસારી જેવા વિસ્તારથી થઈ રહી છે. સુરતના વેપારીઓ પોતાના ગ્રાહકો સાચવવા માટે આ વિસ્તારમાંથી પોંક મંગાવી વેચાણ કરી રહ્યાં છે.
સામાન્ય રીતે નવેમ્બર માસના પહેલા અઠવાડિયા બાદ સુરતમાં પોંકનું વેચાણ શરુ થઈ જતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર અને વરસાદ દિવાળી સુધી હોવા સાથે ઠંડી પણ ઓછી પડી રહી છે તેની પ્રતિકૂળ અસર સુરત ના પોંક ના પાક પર જોવા મળી રહી છે. સુરતમાં ઠંડીની શરૂઆત નથી થઈ પરંતુ વડોદરા કરજણ તથા નવસારી અને બારડોલી વિસ્તારના કેટલાક ખેતરોમાં પોંકની જુવાર ના ડુંડા થઈ ગયાં હોવાથી સુરતના વેપારી સુરતમાં પહેલો પોંક કરજણથી લાવીને વેચી રહ્યાં છે.
સુરતમાં છેલ્લા કેટલાક વખતથી પોંકની ભઠ્ઠી ની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને સુરતની પોંક નગરીમાં નવેમ્બર માસના અંત સુધીમાં વેચાણ શરૂ થાય છે પરંતુ શહેરના કતારગામ સહિતના કેટલાક વિસ્તારમાં પોંક વડા- સેવની દુકાનોમાં પોંકની એન્ટ્રી થઈ ગઈ છે. સુરતમાં પોંકની ભઠ્ઠી શરુ ન થઈ હોવા છતાં અહીં પોંકનું વેચાણ સ્વાદ પ્રિય સુરતીઓ માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. પરંતુ આ જગ્યાએ વેચાતો પોંક સુરત થી નહી પરંતુ દક્ષિણ ગુજરાત અને કરજણ નજીકના ગામોથી આવી રહ્યો છે તે ભાગ્યે જ કોઈ જાણે છે.
કતારગામમાં પોંકનું વેચાણ કરતાં દિપક વિરાણી કહે છે, દર વર્ષે તો ઓક્ટોબર માસ બાદ પોંક કરજણ વિસ્તારમાંથી લાવીએ છીએ પરંતુ આ વર્ષે ત્યાં પણ પોંક મોડો શરુ થયો છે. પરંતુ હવે તે શરુ થયો છે તેથી કરજણ તથા બારડોલી જેવા વિસ્તારમાંથી પોંક લાવીને વેચાણ કરી રહ્યાં છે. હાલમાં પુરતો પાક ન હોવાથી ઓછી માત્રામાં પોંક મંગાવીએ છીએ અને તે પણ રોજ આવતો નથી. તેમ છતાં ગ્રાહકો પોંક શોધતા દુકાન સુધી આવી રહ્યાં છે.
મૂળ સુરતના પણ બારડોલીમાં પોંકની ભઠ્ઠી ચલાવતા મહેશ પટેલ કહે છે, બારડોલીની આસપાસનું વાતાવરણ પોંક માટે અનુકુળ છે. આ છેલ્લા કેટલાક વર્ષોથી સુરત કરતાં બારડોલીમાં પોંક માટેની જુવાર જલ્દી થઈ જાય છે. જેના કારણે સુરત કરતાં બારડોલીમાં પોંકનું જલ્દી વેચાણ થાય છે. ઘણા સુરતના પોંકનું વેચાણ કરતા વેપારીઓ બારડોલીથી પોંક લઈ જાય છે અને સુરત વેચાણ કરી રહ્યાં છે. આ ઉપરાંત ઘણાં એવા લોકો છે જે સુરત કે અન્ય વિસ્તારમાંથી પોંક ખાવા માટે બારડોલી આવે છે અને તેઓ પોંક પાર્ટી પણ કરવા માટે લોકો આવી રહ્યાં છે.
પોંક ના કારણે સમગ્ર વિશ્વમાં સુરતની ઓળખ ઉભી થઈ છે પરંતુ સુરતમાં શહેરી કરણ સિમેન્ટ કોંક્રીટ જંગલ અને ખેતરો ઓછા થઈ રહ્યાં છે. મેટ્રો સીટી તરફ આગળ દોડતું સુરતમાં ઔદ્યોગિક વિકાસ સાથે સિમેન્ટ કોંક્રિટના જંગલો બની જતાં તેની મૂળ ઓળખ ગુમાવી રહ્યું છે. સુરતની મૂળ ઓળખ એવા આંધળી વાણી ના પાકની ખેતી સુરત થી દુર જઈ રહી છે. આ ઉપરાંત સુરતમાં ઔદ્યોગિક એકમો અને પ્રદૂષણની માત્રા વધુમાં હોવાથી ઠંડી પહેલા જેવી પડતા નથી. પરંતુ સુરતની આસપાસ નવસારી, બારડોલી અને કરજણ જેવા વિસ્તારમાં પોંકની જુવાર જલ્દી થઈ રહી છે. આ વાતાવરણ પોંક ની માફક આવતી હોવાથી જલ્દી પોંક આવે છે અને ત્યાંથી પોંકનું વેચાણ થાય છે.
ડિમાન્ડ સામે આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો
આંધળી વાણીના પોંકની શરૂઆત સુરતથી જ થઈ હતી પણ હવે આ મોનોપોલી તુટી રહી છે. સુરતમાં ખેતરો ઘટતા હવે પોંક બારડોલી અને કરજણ, ભરૂચથી પણ આવે છે. ત્યાંના ખેતરોમાં પોંકના જુવાર ની ખેતી થાય છે. હાલમાં સુરતમાં પોંકની ડિમાન્ડ વધુ છે અને આવક ઓછી છે તેમ છતાં સુરતના વેપારીઓ બારડોલી- કરજણ વિસ્તારમાંથી પોંક લાવીને વેચાણ કરી રહ્યાં છે તેથી પોંકનો ભાવ હાલ મીઠાઈના ભાવની બરોબરી કરી રહ્યો છે. પોંક 800 થી 1200 રૂપિયા કિલો થી વેચાણ થતું હોવા છતાં પહેલા આવતો તેવો સ્વાદ પહેલા જેવો લાગતો નથી પરંતુ સ્વાદ શોખીન સુરતીઓ મીઠાઈ ની કિંમત નો પોંક ટેસ્ટથી ખાઈ રહ્યાં છે.