વડોદરા જિલ્લાના 662 ગામોમાંથી 657 અને 536 ગ્રામ પંચાયતોમાંથી 531માં પહેલા ડોઝનું રસીકરણ પૂર્ણ
- પાદરા તાલુકાના 5 ગામો અને ડભોઇ તથા પાદરા શહેરી આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારો પ્રથમ ડોઝના રસીકરણમાં પાછળ
વડોદરા, તા. 10 નવેમ્બર 2021 બુધવાર
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોરોના રસીના પહેલા ડોઝનું રસીકરણ લગભગ 100 ટકા ની નજીક પહોંચી ગયું છે. પહેલો અથવા બંને ડોઝ લઈ લીધાહોય એવા લોકોની સંખ્યા 18.50 લાખથી વધુ થઈ છે અને બંને ડોઝ થી રસી રક્ષિત થયાં હોય એવા લોકોની સંખ્યા 7.60 લાખ થી ઉપર પહોંચી છે.
જો કે પાદરા તાલુકાના 5 ગામો અને ડભોઇ તથા પાદરા શહેરી આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારો પહેલા ડોઝ ના રસીકરણ માં સહુ થી પાછળ છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું કે,વડોદરા જિલ્લામાં રસીકરણમાં સમઝદારીનો લોક અભિગમ જોવા મળ્યો છે. છતાં આ વિસ્તારોમાં કેટલાક લોકો હજુ તો પહેલા ડોઝની રસી લેવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યાં છે.તેના લીધે પહેલા ડોઝ ના 100 ટકા રસીકરણ ની સિદ્ધિ પૂરી થઈ શકી નથી. જિલ્લાના 662 ગામો પૈકી 657 ગામોમાં રસી લેવાને પાત્ર તમામ લોકોએ રસી લઈ લેતાં, પહેલા ડોઝ નું 100 ટકા રસીકરણ થઈ ગયું છે.
ડભોઇ તાલુકાના 126, ડેસરના 53 કરજણના 90, સાવલીના 77, શિનોરના 40, વડોદરાના 80 અને વાઘોડિયા તાલુકાના 67 ગામોમાં પાત્રતા ધરાવતા સૌએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. ફક્ત પાદરા તાલુકાના 5 ગામોમાં જ પહેલા ડોઝ નું રસીકરણ બાકી છે. આ પૈકી એક એક ગામોમાં 90 થી 99 ટકા અને 3 ગામોમાં 80 થી 90 ટકા રસીકરણ પહેલા ડોઝ નું થયું છે.
ગ્રામ પંચાયતો મુજબ જોઈએ તો વડોદરા જિલ્લામાં કુલ 536 ગ્રામ પંચાયતો છે. આ પૈકી 531 ગામોમાં પહેલા ડોઝ નું 100 ટકા રસીકરણ પૂરું થયું છે. ફક્ત પાદરા તાલુકાની 5 ગ્રામ પંચાયતોના વિસ્તારને બાદ કરતાં તમામ તાલુકાઓની તમામ ગ્રામ પંચાયતોમાં લોકોએ પહેલા ડોઝ ની રસી લઇ લીધી છે. પાદરા તાલુકાના ભોજ, નરસિંહપૂરા, આંતી, ભદારા અને ભદારી ગામોમાં પહેલા ડોઝ નું રસીકરણ 79થી 90 ટકા વચ્ચે થયું છે. આ ગામોના બાકી લોકોને સત્વરે રસી મૂકાવી લેવા જણાવ્યું છે.