MSUના ડિફેન્સ કૉર્સની પહેલી જ બેચની વિદ્યાર્થિનીની એરફોર્સમાં પાયલોટ તરીકે પસંદગી
Vadodara : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટસ દ્વારા ચાલતા કોર્સ ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યોરિટી સ્ટડીઝ ની વિદ્યાર્થીની યશિકા ખત્રીનું ઇન્ડિયન એરફોર્સની ફ્લાઈંગ બ્રાંચમાં (પાયલોટ તરીકે )સિલેક્શન થયું છે.
યક્ષિકાએ કહ્યું હતું કે, મારા નાના એરફોર્સમાં હતા અને નાનપણથી મારું સ્વપ્ન એરફોર્સમાં પાયલોટ બનવાનું હતું. જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. મારી સફળતામાં મારા માતા પિતા અને અધ્યાપકો તથા એન.સી.સીના અધિકારીઓનો બહુ મોટો ફાળો છે.
યક્ષિકાના માતાએ કહ્યું હતું કે, હું મારી લાગણીને બહુ મુશ્કેલીથી રોકી રહી છું. મહત્વની વાત એ છે કે યશિકાએ એન.ડી.એ ની અઘરી ગણાતી પરીક્ષાના તમામ સ્ટેજ પહેલા પ્રયત્નમાં જ પાસ કર્યા છે. અમારા પાડોશીઓ અને બીજા પરિચિતોને યશિકાને રોલ મોડેલ માની રહ્યા છે તે અમારા પરિવાર માટે ગૌરવની વાત છે.
ઉલ્લેખનિય છે કે આર્ટસ ફેકલ્ટીમાં ડિફેન્સ સ્ટડિઝનો કોર્સ 2021-22 માં શરૂ કરવામાં આવ્યો હતો. જેની પહેલી બેચ આ વર્ષે પાસ આઉટ થઈ છે. કોર્સ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક દિલીપ કાતરિયા કહે છે કે આ કોર્સ એ રીતે ડીઝાઇન કરવામાં આવ્યો છે કે જેથી વિદ્યાર્થી પોતાના ગ્રેજ્યુએશન સાથે ભારતની ડિફેન્સ સર્વિસિઝમાં ઓફિસર તરીકે જોડાવા માટેની પરીક્ષાની તૈયારી પણ કરી શકે. કોર્સમાં એનસીસી કમ્પલસરી છે. જેથી એનસીસીની તાલીમ બાદ મળતું C સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને સેનામાં જોડાવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ કોર્સમાં CDS એક્ઝામમાં ભરપૂર મદદ મળી રહે એવા વિષયો જેવા કે જ્યોગ્રોફી, ઇકોનોમિક્સ, કરંટ અફેર્સ, વિદેશ નીતિ વગેરેનો સમાવેશ કરાયો છે. આ કોર્સની પહેલી જ બેચની વિદ્યાર્થીનીનું સિલેક્શન એરફોર્સમાં પાયલેટ તરીકે થયું છે. જેની પસંદગી પ્રક્રિયા બહુ આકરી હોય છે. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ડિફેન્સ સર્વિસ માટે તૈયારી કરી રહ્યા છે. આ કોર્સમાં અભ્યાસ કરી રહેલા બીજા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ભારતીય સેનામાં જોડાશે તેવી અપેક્ષા છે.