Get The App

'મને મારી બેન પાછી આપો..મારો ભાઈ પાછો આપો..' બેનર સાથે પહોંચ્યા વાલીઓ, સંચાલક ગાયબ થતાં આક્રોશ

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
'મને મારી બેન પાછી આપો..મારો ભાઈ પાછો આપો..' બેનર સાથે પહોંચ્યા વાલીઓ, સંચાલક ગાયબ થતાં આક્રોશ 1 - image


Harni Boat Tragedy : ગુજરાતને હચમચાવી નાખનાર હરણી બોટકાંડની આજે પહેલી વરસી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા આ જ દિવસે હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોન તળાવમાં બોટ પલટી જવાના કારણે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષકો મોતને ભેટયા હતા. 

સ્કૂલ સંચાલક-શિક્ષકો શ્રદ્ધાંજલિ આપવા ન જોડાયા

આજે આ બાળકોના વાલીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને વારંવાર  વિનંતી કર્યા બાદ પણ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયા કે શિક્ષકો શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાયા નહીં. જેના કારણે વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. વાલીઓએ કહ્યું હતું કે, 'સ્કૂલ સંચાલકો એટલા નફફટ છે કે, આજે સ્કૂલ પણ ચાલુ રાખી છે. સ્કૂલના સ્થાપક ઝાલુબેન વાડિયાનું નિધન થયું ત્યારે ચાર દિવસ સ્કૂલ બંધ રાખી હતી અને સ્કૂલના માસૂમ બાળકો મોતને ભેટયા હતા અને આજે તેમની વરસી છે છતાં પણ સ્કૂલ ચાલુ છે'.

સ્કૂલ સંચાલક બાળકોના મોત માટે જવાબદાર: વાલી

વાલીઓએ આક્ષેપ લગાવ્યો કે 'સ્કૂલના સંચાલક ઋષિ વાડિયા પણ અમારા બાળકોના મોત માટે એટલા જ જવાબદાર છે. કારણકે અમે તેમને અમારા બાળકો સોંપ્યા હતા અને આ બાળકો પછી  ક્યારેય ઘરે નહોતા પહોંચ્યા. તેમના પર મોટા માથાઓનો હાથ છે એટલે તેમનો વાળ વાંકો થતો નથી, ઉલટાનું તેઓ તો પોતે નિર્દોષ છે અને સ્કૂલની કોઈ જવાબદારી બનતી નથી તેવો દાવો કરે છે'.

શ્રદ્ધાંજલિ આપતું બેનર ઉતારી લેવાની ફરજ પાડી

શાળા પાસે  શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોવાથી ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૃત બાળકોના વાલીઓ પોલીસને જોઈને વધારે ભડકયા હતા. તેમણે બાળકોને શ્રદ્ધાંજલિ આપતું બેનર પણ સ્કૂલમાંથી ઉતારી લેવાની ફરજ પાડી હતી અને એ પછી બેનર પર ન્યૂ સનરાઈઝ સ્કૂલ લખેલો ભાગ પણ ફાડી નાંખ્યો હતો.

'મને મારી બેન પાછી આપો..મારો ભાઈ પાછો આપો..' બેનર સાથે પહોંચ્યા વાલીઓ, સંચાલક ગાયબ થતાં આક્રોશ 2 - image

સ્કૂલની દિવાલ પર વાલીઓએ પ્લે કાર્ડ લગાવ્યા 

વાલીઓએ આજે સ્કૂલની કમ્પાઉન્ડ દિવાલ પર 'મને મારી બેન પાછી આપો..મારો ભાઈ પાછો આપો'.. 'તુને તો રુલા કે રખ દિયા એ વાડિયા( સંચાલક), 'જા કર પૂછ મેરી મા સે કે કિતને લાડલે થે હમ' ..જેવા બેનર પણ લગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ સ્કૂલ નથી દુકાન છે, તેમના માટે ધંધો છે: વાલી

હારુનભાઈ નામના વાલીનું કહેવું હતું કે, 'સ્કૂલને બાળકોના મોતથી કોઈ ફરક પડતો નથી અને તેમના માટે તો આ ધંધો છે. કોઈનું મોત થાય તો પણ શું? દુકાન તો ચાલવી જોઈએ અને એટલે જ સ્કૂલ ચાલુ રાખવામાં આવી છે, અમે અહીંયા કોઈ જાતની ધમાલ કરવા નહોતા આવ્યા, અમે તો કાયદાની મર્યાદામાં રહીને લડત આપી રહ્યા છે પરંતુ સ્કૂલ સંચાલકો પાસે એટલી પણ સંવેદના નથી કે અમારી સાથે રહીને શ્રદ્ધાંજલિ આપી શકે'.

એક વર્ષ પહેલા બાળકો સાથે પોલીસ મોકલી હોત તો તેઓ જીવતા હોત 

મૃત બાળકોના વાલી પૈકીના એક વાલીએ કહ્યું હતું કે, 'આજે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા તો વાલીઓએ પોલીસ બોલાવી લીધી છે, આ જ પોલીસ તા.18 જાન્યુઆરી, 2024ના રોજ મોકલી હોત તો અમારા બાળકો જીવતા હોત અને તેમના મૃતદેહ અમારે જોવા પડયા ના હોત'.

'મને મારી બેન પાછી આપો..મારો ભાઈ પાછો આપો..' બેનર સાથે પહોંચ્યા વાલીઓ, સંચાલક ગાયબ થતાં આક્રોશ 3 - image

અમે તો અમારા બાળકો સ્કૂલને સોંપ્યા હતા

સ્કૂલ સંચાલકને હમદર્દી હોત તો સ્કૂલ બંધ રાખીને શ્રદ્ધાંજલિ આપત.સંચાલક ઋષિ વાડિયા ખાલી ખાલી જ દાવા કરતા હતા કે,  આ બાળકો અમારા જ છે.અમે તમારી બેદરકારીના કારણે બાળકો ગુમાવ્યા છે.સંચાલક કહે છે કે, કોટિયાને અમે બાળકો સોંપ્યા હતા પરંતુ અમે તો તેમને બાળકોની જવાબદારી આપી હતી.સ્કૂલ તો બાળકનું બીજું ઘર હોય છે.તેં અમારા બાળકોની કાળજી ના લીધી.બાળકોની બોટ પલટી ગઈ તેની પણ અમને જાણ નહોતી કરી અને કહ્યું હતું કે બસને ટકકર વાગી છે.અમે તો બાળકોને તે દિવસે સ્કૂલે લેવા માટે આવ્યા હતા.મારી દીકરી રોશનીના બહુ મોટા સપના હતા.તેને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે મેં મારા દીકરાને સરકારી સ્કૂલમાં મૂકયો હતો.તે કહેતી હતી કે, હું ભણીને નોકરી કરીશ અને પછી પહેલો પગાર આવશે તો મારા દાદા અને  પપ્પાને આપીશ.મારો દીકરો તેની દીદી વગર આજે પણ ઉંઘી શકતો નથી.

સવારે દીકરીને મૂકી ગયો અને સાંજે મૃતદેહ મળ્યો 

પ્રતિકભાઈ શાહ નામના વાલીએ પણ આ દુર્ઘટનામાં પોતાની દીકરી ગુમાવી હતી.તેમણે કહ્યું હતું કે,હું મારી દીકરીને સવારે પિકનિક જવા માટે સ્કૂલે મૂકી ગયો હતો ત્યારે મને ખબર નહોતી કે સાંજે હું મારી દીકરીનો મૃતદેહ લઈને ઘરે પહોંચીશ


Google NewsGoogle News