માળિયા મિંયાણામાં ખૂની ખેલ ખેલાયો: જૂથ અથડામણમાં ફાયરિંગ કરતાં યુવકનું મોત, પોલીસના ધાડા ઉતર્યા
Morbi Group Clash: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા નામે કશું રહ્યું ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હત્યા જેવા ગંભીર ગુના અવારનવાર બનતા રહે છે. જેમાં શુક્રવારે માળિયા મિંયાણામાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. વાગડિયા ઝાપા નજીક બે જૂથ સામસામે આવી ગયા હતા. અને ફિલ્મી સ્ટાઈલમાં બંને જૂથે સામસામે ફાયરિંગ કરતા એકનું મોત થયું હતું. જયારે બંને પક્ષે ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. માળિયા મિંયાણાના વાગડીયા ઝાંપે બે જૂથ સામસામે આવી ગયા હતા.
ઇલ્યાસ જેડા અને ફારૂક જામના જૂથ સામસામે આવી ગયા હતા. જેને દેશી તમંચા અને પિસ્તોલ જેવા હથિયાર વડે આડેધડ એકબીજા પર ફાયરીંગ કર્યું હતું. જે ફાયરીંગની ઘટનામાં હૈદર જેડા, સિકંદર જેડા અને ખામીશા જેડા એમ ત્રણને જયારે સામેના જુથમાં બે વ્યક્તિના ઈજા પહોંચી હતી. જે ઈજાગ્રસ્તો પૈકી સારવાર પૂર્વે જ હૈદર જેડા નામના યુવાનનું મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો છે તો બંને જૂથના કુલ 4 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જે ઘટનાને પગલે જિલ્લા એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ માળિયા દોડી ગયા હતા અને બનાવની તપાસ હાથ ધરી છે. બનાવ મામલે ડીવાય એસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દેશી તમંચો, પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. બપોરે નમાઝ પઢવા સમયે યુવાનોને બોલાચાલી થયા બાદ બંને જૂથના માણસો ભેગા થયા હતા અને સામસામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું.
માળિયા મિંયાણાના વાગડિયા ઝાંપે ફાયરીંગની ઘટના બની હતી, જેમાં જેડા ગ્રુપના ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેમાં એકનું મોત હતું. જયારે બાકીના બે ઈજાગ્રસ્ત ને સામેના જૂથના બે એમ કુલ 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા તો માળિયામાં ફાયરીંગની ઘટનાને પગલે પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.