પાટડીના પીપળી ગામે એક જ્ઞાતિના બે વ્યક્તિ વચ્ચે મારામારી બાદ ફાયરિંગ
- ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો
- ફિલ્મી ઢબે બંનેવે કાર સામસામે અથડાવી : ઝેઝરીમાં થયેલી હત્યાના આરોપી પર ફાયરિંગ : બે રાઉન્ડ છોડયાની ચર્ચા
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના પીપળી ગામે એક જ જ્ઞાાતીના બે વ્યક્તિઓ સામસામે કાર લઈ આવી જતા બોલાચાલી થઈ હતી. જેમાં શખ્સે ફાયરિંગ કરતા યુવકને ઈજાઓ ૫હોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની ૫રિસ્થિતિ કથળી રહી છે અને જીલ્લામાં લુંટ, ફાયરીંગ, હત્યા, ખંડણી સહિતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે પાટડી તાલુકાના ઝેઝરી ગામમાં ૨૦૨૧માં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં મહેબુબખાન રહે.ઝેઝરીવાળાએ સમંદરખાનના પરિવારજનની હત્યા નીપજાવી હતી. જે હત્યા મામલે મહેબુબખાન ઝડપાઈ જતા જેલમાં સજા ભોગવી રહ્યો હતો અને જામીન પર છુટી પરત આવ્યો હતો. ત્યારે પાટડીના પીપળી ગામે તળાવ પાસે બન્ને અલગ-અલગ કારમાં સામસામે આવી જતા કાર અથડાઈ હતી. જેમાં સમંદરખાને અગાઉની હત્યાનું મનદુઃખ રાખી મહેબુબખાન પર ફાયરિંગ કરી નાસી છુટયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો તેમજ લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા તેમજ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.