ફરી અગનવર્ષાઃ રાજકોટ, સુ.નગર 44, અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, અમરેલી 43
સપ્તાહમાં પારો વધીને 45-47 સે. પહોંચવાની આગાહી : શહેરોમાં સાંજે પણ લૂ વરસી, વડોદરા, વલ્લભવિદ્યાનગર 43, સુરત, જુનાગઢ, વડોદરા, ભાવનગર, કેશોદમાં પણ 41 સે.સાથે ગરમી વધી
રાજકોટ, : એક તરફ દેશના પૂર્વોત્તર, પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ગાજવીજ,તીવ્ર પવન સાથે માવઠાંનો માહૌલ છે અને અનેક રાજ્યોમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે ગુજરાતમાં પાણીને બદલે આભમાંથી આગ વરસી રહી છે. આજે તાપમાન વધુ ઉંચકાયું હતું અને સુરેન્દ્રનગર 43.7 અને રાજકોટ 43.5 સે. સાથે સૌથી ગરમ શહેરો રહ્યા હતા અમદાવાદ,ગાંધીનગર, ભૂજ, અમરેલીમાં પણ પારો 43 સે.એ પહોંચ્યો હતો.
રાજ્યમાં વડોદરા, કંડલા એરપોર્ટ પર 42 સે. તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં પણ આજે પારો ઉંચકાઈને 41 સે.ને પાર થતા તીવ્ર તાપ અનુભવાયો હતો. સુરત, વડોદરા, ભાવનગર, કેશોદમાં પણ તાપમાન 41 સે.એ પહોંચ્યું હતું. એકમાત્ર દ્વારકા અને વેરાવળ સોમનાથમાં સૌથી નીચું મહત્તમ 31-32 સે.તાપમાન નોંધાયું છે. દિવ પણ દરિયાકાંઠા નજીકનું સ્થળ છતાં પારો 37 સે.ને પાર રહ્યો હતો.
ંમૌસમ વિભાગ અનુસાર રાજકોટ, અમદાવાદ, ભૂજ,સુરેન્દ્રનગર સહિત સ્થળોએ આગામી સપ્તાહમાં પારો 44સે.ને પાર રહેવા અનુમાન છે તો બીજી તરફ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં નહીવત્ વધઘટ સાથે ગરમી જારી રહ્યા બાદ હાલના તાપમાનમાં 2થી 3 સે.નો વધારો થવાની એટલે કે તાપમાન 45થી 47સે.એ પહોંચવાની શક્યતા છે. એકધારી અગનવર્ષાથી વિજમાંગ અને જળમાંગમાં તોતિંગ વધારો નોંધાયો છે. રાજકોટ જેવા શહેરમાં તો સાંજે પણ લૂ વર્ષાનો અનુભવ થયો હતો. પંખા,એ.સી.કૂલરો ધમધમવા લાગ્યા છે. અસહ્ય તાપથી શેરીશ્વાનો,ગૌવંશ સહિત પ્રાણીઓ અને પંખીઓની હાલત પણ કફોડી થઈ રહી છે.