અગ્નિકાંડની તપાસ પૂર્ણતાના આરે, તા. 25 પહેલા ચાર્જશીટ રજૂ કરાશે
રાજકોટના પદાધિકારીઓ કે ઉચ્ચ અફ્સરોના નામો ખુલવાની શક્યતા નહીવત્ : સરકારની સિટ,સત્યશોધક કમિટિ,એ.સી.બી.ના સંકલનમાં રાજકોટ પોલીસની સિટ દ્વારા તપાસ કરીને 15ની ધરપકડ કરાઈ, 250થી વધુના નિવેદનો નોંધ્યા
રાજકોટ, : સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડના રાજકોટ તાલુકા પોલીસ સ્ટે.માં નોંધાયેલા ગુનાની શહેર પોલીસની સિટ દ્વારા 44 દિવસથી ચાલતી તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે માત્ર એફએસએલ સહિતના પૂરાવાઓની કડી જોડાઈ રહી છે અને આગામી તા. 25 જૂલાઈએ આ અગ્નિકાંડને અને તેનો ગુનો નોંધાયાને ૨ માસ પૂરા થાય તે પહેલા જ કોર્ટમાં તોતિંગ કદનું ચાર્જશીટ રજૂ કરવા પોલીસ જહેમત ઉઠાવી રહી છે.
રાજકોટ સિટ ઉપરાંત સરકારની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી સિટ અને ત્યારબાદ અશ્વીનીકુમાર સહિતની સત્યશોધક કમિટિ રચાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ત્રણેય સમિતિઓના રિપોર્ટમાં વિરોધાભાસ ન જન્મે તેની કાળજી લેવાઈ હતી અને એક લાઈન ઉપર સંકલનથી તપાસ થતી હતી.
શહેર પોલીસની સિટ દ્વારા આશરે 250 થી વધુ નિવેદનો લેવાયા છે. મહાપાલિકા, પોલીસ, પી.ડબલ્યુ.ડી. સહિત સરકારી કચેરીઓમાંથી થોકબંધ સાહિત્ય કબજે કરાયું છે. આ દરમિયાન પોલીસમાંથી ગેમઝોનને મંજુરી બાબતની એક ફાઈલ ગુમ થયાની વિગતો પણ બહાર આવી હતી જે કોણે કરી તે હજુ સવાલ જ રહ્યો છે.
ગુનાના કામે દોઢ માસની તપાસમાં પૂર્વ ટી.પી.ઓ., ચીફ ફાયર ઓફિસર સહિત 8 અધિકારીઆની ધરપકડ કરીને રિમાન્ડ પર લઈ જેલહવાલે કરાયા છે અને પોલીસની ઉંડી તપાસમાં સાગઠીયા,મકવાણા સહિત ટી.પી.ની ટોળકીએ રેકર્ડ સાથે ચેડાં કર્યાનો અને સાગઠીયા ઉપરાંત પૂર્વ ડે.ચીફ ફા.ઓફિસર ઠેબાએ અપ્રમાણસર મિલ્કત વસાવ્યાનું પણ ખુલ્યું હતું. જ્યારે પોલીસના ચાર ઈન્સપેક્ટરો, પી.ડબલ્યુ.ડી.ના એન્જિનિયરો વગેરે માત્ર સસ્પેન્ડ કરાયા છે અને પોલીસ કમિશનર તથા મ્યુનિ.કમિશનરની બદલી કરાઈ છે અને મનપાના પૂર્વ કે વર્તમાન પદાધિકારીઓ સહિત નેતાઓને સંપૂર્ણ ક્લીનચીટ આજ સુધી અપાઈ છે. પોલીસસૂત્રો અનુસાર તપાસ મનપાના અધિકારીઓની ગુનાહિત અને પોલીસ અધિકારીઓની વહીવટી બેદરકારી જણાઈ છે અને તે મૂજબ પગલાા લેવાયા છે.