સુરતમાં ફરી ભીષણ આગ: સચિન હોજીવાલામાં પ્લાસ્ટિક-કાપડની કંપનીમાં કરોડોનો માલ-સામાન ખાખ
Fire Incident In Surat : ગુજરાતના સુરતમાં અવાર-નવાર આગની ઘટના બનતી હોય છે, ત્યારે શહેરના હોજીવાલા વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં કાપડની કંપનીના યાનમાં આગ લાગી હતી. જ્યારે વિકરાળ બનેલી આગ બાજુની પ્લાસ્ટિક કંપનીમાં લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં હોજીવાલા ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના હોજીવાલા વિસ્તારમાં રોડ નંબર 17 પર આવેલી પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ છે. આગ વધુ ભીષણ બનતા બાજુની પ્લાસ્ટિકની કંપનીમાં પણ આગ લાગી હતી. કાપડની કંપનીમાં DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં યાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ દ્વારા આગને ઓલવવાની કામગીરી શરૂ છે. જ્યારે તહેવાર ટાણે આગની ઘટના બનતા સદનશીબે કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે, કંપનીમાં રહેલા માન-સામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું કંપની માલિકોનું કહેવું છે.