Get The App

સુરતની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 14 કારીગરો દાઝ્યા, બેની હાલત ગંભીર, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
સુરતની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 14 કારીગરો દાઝ્યા, બેની હાલત ગંભીર, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે 1 - image


Fire in Diamond Factory : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આજે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જેના લીધે કારખાનામાં કામ કરી રહેલા 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા હતા. જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટનામાં દાઝી ગયેલા તમામ રત્ન કલાકારોને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. 

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ડાયમંડ સાફ કરતી વખતે ગેસ લાઇનમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની ઘટનામાં 14 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અહીં ડાયમંડ ઉપરથી ધૂળને દૂર કરવા માટે અને તેને સાફ કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ થતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 

બ્લાસ્ટની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં દાઝી ગયેલા 14 જેટલા લોકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 



Google NewsGoogle News