વરાછા માતાવાડીના બહુચર એપા.ના ફ્લેટમાં આગ : વૃધ્ધા દાઝ્યા
- 76 વર્ષના મંજુલાબેન ઘટના વેળા ઘરમાં એકલા હતા :શોટ સર્કિટને કારણે આગમાં તમામ ઘરવખરી ખાક
સુરત,:
વરાછાના માતાવાડી ખાતે આજે શનિવારે સવારે એક એપાર્ટમેન્ટના ફ્લેટમા શોર્ટ સકટ થતા આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે આગની ઝપેટમાં આવી જતા વૃદ્ધાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વરાછામાં માતાવાડી ખાતે બહુચર એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં ભાંડે રહેતા સુનિલ ઘીરજભાઇ વિરમગામાં અને તેનો ભાઇ રાજેશ વિરમગામ તથા તેમની માતા મંજુલાબેન (ઉ . વ.૭૬ ) રહે છે. દરમિયાન આજે શનિવારે સવારે ફ્લેટમાંથી બંને ભાઇઓ કામ અર્થે બહાર ગયા હતા અને તેમની માતા ઘરે એકલા હતા. તે સમયે ફ્લેટમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. ત્યારે આગ બુઝાવવામાં વૃધ્ધા મંજુલાબેન જ્વાળ લાગતા દાઝી જતા બુમો પાડી હતી. જેથી આજુ બાજુના લોકો તરત દોડી આવીને તેમને બહાર કાઢ્યા હતા. જોતજોતામાં આગ ફેલાતા વધુ ધુમાડો નીકળા માંડયો હતો. જેથી ત્યાં રહેતા લોકો ગભરાઇ જઇને ભાગદોડ થઇ જવા પામી હતી. કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનની છ ગાડી સાથે લાશ્કરોનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પાણી છંટકાવ કરી જહેમત ઉઠવતા બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગમાં દાઝી ગયેલા મંજુલાબેન ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગને કારણે ઘરમાં તિજોરી,ગાદલા,વાસણો,ટી.વી,ફિઝ, કપડા, ગોદલા, પંખા,વાયરીંગ, ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.