દુ:ખદ ઘટના: અમદાવાદમાં પક્ષીનો જીવ બચાવવા જતાં ફાયર વિભાગના કર્મચારીનું વીજ શોક લાગતા મોત
બનાવની જાણ થતાં ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા
Fire Department in Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં તારમાં ફસાયેલા પક્ષીને બચાવતી વખતે હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા ફાયર વિભાગના કર્મચારીનું મોત નીપજ્યુ છે. ઘુમા સ્મશાન પાસે દેવ 94 બિલ્ડીંગ પાસે આ બનાવ બન્યો છે. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
માહિતી અનુસાર, ફાયર વિભાગના કર્મચારી અનિલ પરમાર બોપલ-ઘુમા વિસ્તારમાં તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે ગયા હતા. ત્યારે તેમનો હાથ હાઈ ટેન્શન લાઇનને અડી જતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને પગલે પરિવાર અને ફાયર વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના તહેવારોમાં પતંગબાજોની મજા પશુ-પક્ષી માટે સજા સમાન પુરવાર થતી હોય છે. ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે રાજ્ય સરકારના વન વિભાગ, પશુ ચિકિત્સા અધિકારીઓ તેમજ વિવિધ એનજીઓ પણ કરૂણા અભિયાન અંતર્ગત જોડાયા હતા. '108' કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા 14 જાન્યુઆરીના 1500 જ્યારે 15 જાન્યુઆરીના 1459 પશુ-પક્ષીની ઈમરજન્સી નોંધાઇ હતી. આ સિવાય અન્ય એનજીઓમાં 1 હજારથી વધુ ઘાયલ પશુ પક્ષી નોંધાયા હતા.