ગુજરાત રિફાનરીના આઈઝોમેરિઝેશન પ્લાન્ટમાં ધડાકા સાથે આગ, દોઢ મહિનામાં ત્રીજી દુર્ઘટના
વડોદરાઃ વડોદરા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીમાં આજે ફરી એક વખત પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
રિફાઈનરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિફાઈનરીમાં બનતા પેટ્રોલ, ડિઝલ અને બીજી પ્રોડ્કટસની ગુણવત્તાને વધારે સારી કરવા માટેના આઈઝોમેરિઝેશન પ્લાન્ટની ફર્નેસમાંથી ઢોળાયેલા ઓઈલમાં અચાનક આગ લાગી હતી.જોકે સૂત્રોએ દાવો કર્યો હતો કે, પંદર જ મિનિટમાં આગ કાબૂમાં આવી ગઈ હતી અને પ્લાન્ટને પણ બંધ કરવાની જરુર પડી નહોતી.રિફાઈનરીની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી હતી.
જોકે આ આગની સાથે થયેલો ધડાકો એટલો મોટો હતો કે આસપાસના વિસ્તારમાં સંભળાયો હતો અને લોકોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ હતી.રિફાઈનરીમાં આગની લપેટો સાથે ધૂમાડા નિકળતા હોય તેવો વિડિયો પણ વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, દોઢ જ મહિનામાં રિફાઈનરીમાં આ ત્રીજા હોનારત છે.આ પહેલા બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી ભીષણ આગના કારણે બે કર્મચારીઓના મોત થયા હતા.જેનો અહેવાલ તો હજી જાહેર નથી થયો ત્યાં તો બીજી વખત આગ લાગવાની ઘટના બનતા રિફાઈનરીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
રિફાઈનરીમાં હાલમાં વિસ્તરણની કામગીરી પણ ચાલી રહી છે અને તેમાં પણ લોખંડનું એક માળખુ ધડાકાભેર પડયું હતું અને તેના કારણે પણ રિફાઈનરી ચર્ચામાં આવી હતી.